પાકિસ્તાનની ચાંચિયાગીરીઃ ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ
અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. પાકિસ્તાન મરિન અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પાકિસ્તાનની વધુ એક ચાંચિયાગીરી સામે આવી છે. ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીને બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમમાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે અચાનક પાકિસ્તાન મરીન સિક્યુરિટી આવી પહોંચી હતી. તેમજ માછીમારો કંઈ પણ સંમજે પહેલા જ બે બોટને ઘેરી લીધી હતી. પાકિસ્તાન મરીને બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ કર્યું હતું. આ બંને બોટ પોરબંદરની હોવાનું જાણવા મળે છે. બંને બોટમાં નવસારી અને ગીર સોમનાથના 11 માછીમારો જખૌ નજીક માછીમારી કરતા હતા. આ બનાવને પગલે માછીમારો અને તેમના પરિવારજનોમાં ભય ફેલાયો છે. બીજી તરફ પોરબંદરના ફિશરીઝવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખલાસીઓના પરીવારજનોને જીવન નિર્વાહ માટે સરકારી યોજના મુજબ સહાય ચુકવવામાં આવશે. બંને બોટના લાયસન્સ રદ કરી, ડીઝલ કાર્ડ, બોટ રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કે કચ્છની જળ સીમાએથી છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી કુલ 10 બોટ અને 61 માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.