અમદાવાદઃ ગુજરાતના દરિયામાં ઘુસીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન ફરી એકવાર ભારતીય જળસીમામાં પાકિસ્તાની ચાંચિયાગીરીની ઘટના સામે આવી છે. દરમિયાન જખૌ જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા 4 બોટો સાથે 24 ભારતીય ખલાસીઓનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.
જખૌ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન ભારતીય સીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિકયુરીટીએ 4 ભારતીય બોટ કે જેમાં 2 વેરાવળની અને ઓખા તથા પોરબંદરની 1-1 બોટો સાથે કુલ 24 ખલાસીઓનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન મરીન સિકયુરીટીનું ‘સબકટ’ નામના શીપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ રાજય સરકારે વિધાનસભા ગૃહમાં માછીમારો મુદ્દે જવાબ રજૂ કર્યો હતો. 31 જુલાઇ, 2021 સુધીમાં 509 જેટલાં માછીમારો હાલમાં પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. 509 માછીમારો ઉપરાંત 1141 બોટ પણ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે. વર્ષ 2019-20માં 8 તેમજ 2020-21માં 10 એમ કુલ 18રજૂઆત કેન્દ્રમાં કરવામાં આવી છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે, છેલ્લાં 2 વર્ષમાં 376 માછીમારો પાકિસ્તાનમાંથી મુકત કરવામાં આવ્યાં છે. જો કે છેલ્લાં 2 વર્ષમાં એક પણ બોટ મુકત કરવામાં નથી આવી.