પાકિસ્તાને એલઓસી પર બુધવારે બે સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે ફાયરિંગ કર્યું હતું. તેના સિવાય નિયંત્રણ રેખા નજીકના ચક્કન દા બાગ વિસ્તારમાં પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. એલઓસી ટ્રેડ સેન્ટર આ સ્થાન પર આવેલું છે. પાકિસ્તાનના ગોળીબારો ભારત દ્વારા પણ જવાબ અપાઈ રહ્યો છે.
તાજેતરમાં પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર ઉશ્કેરણી વગર ફાયરિંગ કરી રહ્યું છે. ગત દશ માર્ચે પણ પાકિસ્તાની સેનાએ પુંછ સેક્ટરના ચાર અગલ-અલગ વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું અને ભારતીય ચોકીઓ અને નાગરિકોને નિશાન બનાવ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સીમાપારથી ફાયરિંગને લઈને કહ્યુ હતુ કે પાકિસ્તાની સેના વગર કોઈ ઉશ્કેરણીએ કૃષ્ણાઘાટી સેક્ટરમાં એલઓસી પાસે મોર્ટાર શેલિંગ અને નાના હથિયારોથી ફાયરિંગ કરીને શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ 778 કિલોમીટર લાંબી એલઓસી પાસે રહેતા લોકો એક પખવાડિયાથી વધારે સમયથી પાકિસ્તાની સેના તરફથી સંભવિત ગોળીબાર અને તેના ડરથી રાત્રે ઉંઘી પણ શકતા નથી.
ભારતીય સેનાએ જણાવ્યું છે કે નિયંત્રણ રેખા અને 210 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પર સૈનિકો હજીપણ એલર્ટ છે. બંને દેશો વચ્ચે તણાવ વધ્યા બાદ સૌથી વધારે પુંછ અને રાજૌરી જિલ્લાના સીમાવર્તી ગામડાંની મુશ્કેલીમાં વધારો થયો છે. સીમાવર્તી ક્ષેત્રોના કેટલાક મકાનો ગોળીબારથી ક્ષતિગ્રસ્ત થયા છે.