પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ
બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે.
રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, “કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, તેથી ભારતે PoK વિશે વાત ન કરવી જોઈએ. પરમાણુ બોમ્બના ડરને કારણે, તેઓ PoK પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી.” નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને આ વખતે પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપવામાં આવશે. સર્જિકલ સ્ટ્રાઈક પર રેવંત રેડ્ડીની ટિપ્પણી પર ભાજપના નેતાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી અને આતંકવાદીઓને ખતમ કર્યા.”
રેવંત રેડ્ડીએ શુક્રવારે પુલવામા હુમલાને રોકવામાં ગુપ્તચર તંત્રની નિષ્ફળતાનો દાવો કર્યો હતો. તેમણે આગળ કહ્યું, “પુલવામાની ઘટના પછી, પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકથી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. મારો મોદીજી માટે એક પ્રશ્ન છે, તેઓ શું કરી રહ્યા છે? પુલવામાની ઘટના શા માટે થઈ? તમે તેને કેમ થવા દીધું? આંતરિક સુરક્ષા મામલે તમે શું કરી રહ્યા છો? તમે IB અથવા R&AW જેવી એજન્સીઓનો ઉપયોગ કેમ ન કર્યો? તેલંગાણાના સીએમએ તેને વડાપ્રધાનની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કોઈને ખબર નથી કે સર્જિકલ સ્ટ્રાઈક ખરેખર થઈ છે કે નહીં.