આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનની તિજોરી એપ્રિલ સુધીમાં ખાલી થવાની ભીતિ
નવી દિલ્હીઃ પાકિસ્તાન અત્યારે આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. મૂડીઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે તેને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમજ આવનારી સરકાર સામે દેશને ગંભીર આર્થિક સંકટમાંથી ઉગારવાનો મોટો પડકાર હશે. મૂડીઝનો દાવો છે કે, રાજકીય અનિશ્ચિતતાને કારણે પાકિસ્તાનની નવી સરકાર માટે એપ્રિલમાં નવી લોન માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)નો સંપર્ક કરવો મુશ્કેલ બનશે કારણ કે તેના પર પહેલેથી જ 49.5 બિલિયન ડોલરનું દેવું છે.
IMFએ ગયા વર્ષે જૂન મહિનામાં પાકિસ્તાનને 3 અબજ ડૉલરની લોન આપી હતી, જેનો નવ મહિનાનો સમયગાળો હવે પૂરો થઈ રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાનને આર્થિક મદદ માટે ફરીથી મોટી લોનની જરૂર છે. મૂડીઝે પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી વગાડી છે અને કહ્યું છે કે પાકિસ્તાનની તિજોરી એપ્રિલ સુધીમાં ખાલી થઈ શકે છે. આના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વધુ તૂટશે, જેને સંભાળવું તેના માટે ઘણું મુશ્કેલ બની જશે.
મૂડીઝે પાકિસ્તાનની લોન લેવાનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. તેનું રેટિંગ CAA1 થી ઘટાડીને CAA3 કરવામાં આવ્યું છે, જે ડિફોલ્ટ કરતા માત્ર 2 સ્ટેપ ઉપર છે. મૂડીઝનો આ દાવો પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી છે કારણ કે દેશની અર્થવ્યવસ્થા માત્ર IMF લોનની મદદથી ચાલી રહી છે. પાકિસ્તાનને 2023માં જ IMF પાસેથી લોન મળી હતી, પરંતુ 2024માં તેને ફરીથી લોનની જરૂર પડશે.
પાકિસ્તાનના રૂપિયાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. તેનું મૂલ્ય દિવસેને દિવસે ઘટી રહ્યું છે. પાકિસ્તાનનો એક રૂપિયો ભારતના 30 પૈસા બરાબર છે અને એક અમેરિકન ડૉલરની કિંમત પાકિસ્તાનના 277 પર પહોંચી ગઈ છે. ઈસ્લામાબાદની થિંક ટેન્ક ટેબ એડ લેબે પણ પાકિસ્તાનની સ્થિતિ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને કહ્યું છે કે, આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થા ઊંડે ઊંડે ડૂબી જશે અને પાકિસ્તાન ડિફોલ્ટ તરફ આગળ વધશે. પાકિસ્તાન માટે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે. તેનું અર્થતંત્ર ચારે બાજુથી ઘેરાયેલું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વર્તમાન પરિસ્થિતિમાં મોટો સુધારો અને નાટકીય ફેરફાર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન વધુ ઊંડે ડૂબી જશે. પાકિસ્તાનના રાજકીય પક્ષોના કારણે આ સ્થિતિ થઈ છે. આ નેતાઓએ દેશને લૂંટવામાં કોઈ કસર છોડી નથી. પાકિસ્તાનનું દેવું એટલું વધી ગયું છે કે તેને વ્યાજ પણ ચૂકવવા માટે અન્ય દેશો સુધી પહોંચવું પડે છે.