નવી દિલ્હીઃ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મંદીએ ભરડો લીધો છે. કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પાટા પર આવી નથી. હવે અહીં ઓટો જગતની ઘણી મોટી કંપનીઓને પણ પોતાનો વ્યવસાય આટોપવાની ફરજ પડી રહી છે. ઓટો પાર્ટ્સની આયાત પરના પ્રતિબંધ બાદ ઈન્વેન્ટરીના નીચા સ્તરને ટાંકીને, પાક સુજુકી મોટર કંપની (PSMC) એ જાહેરાત કરી હતી કે, તેના ઉત્પાદન પ્લાન્ટ 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનમાં ટોયોટા-બ્રાન્ડ ઓટોમોબાઇલ્સની એસેમ્બલર ઇન્ડસ મોટર કંપની (IMC) એ પણ જાહેરાત કરી હતી કે, ઓટો પાર્ટ્સ આયાત કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ સમસ્યાને ટાંકીને IMCએ તેના ઉત્પાદન પ્લાન્ટને 20 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
ગયા મહિને, IMC અધિકારીઓએ કોર્પોરેટ બ્રીફિંગ સત્રમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક દ્વારા લાદવામાં આવેલા આયાત નિયંત્રણો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે દેશના ઓટો સેક્ટરને નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)ને મોકલવામાં આવેલી નોટિસમાં PSMCએ જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ આયાત માટે પૂર્વ મંજૂરી માટે એક મિકેનિઝમ રજૂ કર્યું છે.
પાક સુઝુકી મોટર્સે જણાવ્યું હતું કે આ પ્રતિબંધોએ આયાત એકમોના ક્લિયરન્સને નોંધપાત્ર રીતે અસર કરી હતી, જેના પરિણામે ઇન્વેન્ટરી સ્તરમાં વધારો થયો હતો. આથી, કંપનીના મેનેજમેન્ટે ઈન્વેન્ટરીના સ્તરમાં ઘટાડાને કારણે જાન્યુઆરીથી ઓટોમોબાઈલ તેમજ મોટરસાઈકલ માટે તેનો પ્લાન્ટ તા. 2થી 6 જાન્યુઆરી 2023 સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.