નવી દિલ્હીઃ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પતનની અણી પર આવી ગઈ છે. પાકિસ્તાન કોઈને કોઈ રીતે વિદેશી લોનના બળ પર પોતાનો દેશ ચલાવી રહ્યું છે. ક્યારેક તે લોન લેવા ચીનના ખોળામાં બેસી જાય છે તો ક્યારેક બીજા દેશમાં પહોંચી જાય છે. દરમિયાન પાકિસ્તાનમાં ચીનનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેનો મુદ્દો તાજેતરમાં પાકિસ્તાને ઉઠાવ્યો હતો. આ પ્રોજેક્ટના કારણે પાકિસ્તાન બરબાદીના આરે પહોંચી ગયું છે. ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સ પરની તાજેતરની બેઠકમાં પાકિસ્તાને ચીન સામેની પાંચ મહત્વપૂર્ણ પાવર અને રેલ પ્રોજેક્ટ્સમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો. આવી સ્થિતિમાં, જો આ પ્રોજેક્ટ્સમાં વધુ વિલંબ થાય છે, તો પાકિસ્તાનમાં રેલવે લાઇન અટકી જવાની સંભાવના છે. તેમજ વીજળી ઉત્પાદનને પણ અસર થશે.
CPECની 11મી સંયુક્ત સહકાર સમિતિ (JCC) ની બેઠક યોજાઈ હતી જ્યાં પાકિસ્તાને ચીનને $18.5 બિલિયનના પાંચ પ્રોજેક્ટને ઝડપી બનાવવા વિનંતી કરી હતી. પાકિસ્તાનના યોજના મંત્રી અહેસાન ઈકબાલે આશંકા વ્યક્ત કરી હતી કે કોઈપણ વિલંબથી એક વર્ષમાં દેશની રેલ વ્યવસ્થામાં ભંગાણ પડશે અને 3,100 મેગાવોટ વીજ ઉત્પાદનમાં વિલંબ થશે. ઇસ્લામાબાદએ ચીનને જે પાંચ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવા વિનંતી કરી છે તેમાં $10 બિલિયન મેઇનલાઇન-1 રેલ્વે પ્રોજેક્ટ, $1.2 બિલિયન કરાચી સર્ક્યુલર રેલ્વે પ્રોજેક્ટ, $1.6 બિલિયન આઝાદ પટ્ટન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, $2.5 બિલિયન કોહલા પાવર પ્રોજેક્ટ અને $3 બિલિયન થાર બ્લોકનો સમાવેશ થાય છે. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ આ માહિતી આપી હતી..
અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને બાજુના અવરોધોને કારણે આ પ્રોજેક્ટ્સ વર્ષોથી વિલંબનો સામનો કરી રહ્યા છે.” પાકિસ્તાને ચીનને 584 મિલિયન યુએસ ડોલરના ગ્વાદર પાવર પ્લાન્ટના ટ્રાન્સફર માટે ઈસ્લામાબાદની વિનંતી પર વિચાર કરવા કહ્યું હતું. યોજના મંત્રીએ તેના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ (SEZ)ને વિકસાવવા માટે ચીનના અનુભવનો ફાયદો ઉઠાવવામાં પાકિસ્તાનની નિષ્ફળતા પણ ધ્યાનમાં લીધી હતી.
મંત્રીએ કહ્યું, “સરકારે 11મી જેસીસીની મિનિટ્સ પર હસ્તાક્ષર કર્યા નથી અને પરિણામ વિશેની ઔપચારિક જાહેરાત વડા પ્રધાન શાહબાઝ શરીફની ચીનની મુલાકાત દરમિયાન કરવામાં આવશે.” પાકિસ્તાનના પીએમ શાહબાઝ 1 નવેમ્બરના રોજ બે દિવસીય ચીનના પ્રવાસે જવાના છે. 18.8 બિલિયન યુએસ ડોલરના ઓછામાં ઓછા 28 ચાઇનીઝ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે, પરંતુ હજુ પણ $34 બિલિયનની યોજનાઓ પૂર્ણ થવાની બાકી છે. ઈકબાલે નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન (NDRC)ના ડેપ્યુટી ચેરમેનને કહ્યું, “જો અમે ML-I (મેઈનલાઈન-I રેલ્વે પ્રોજેક્ટ) તરત જ શરૂ નહીં કરીએ, તો પાકિસ્તાન રેલ્વેની મુખ્ય લાઇન એક વર્ષની અંદર તૂટી જશે.”