Site icon Revoi.in

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ વાગી છે. પાકિસ્તાનની જનતાને હાલ પુરતુ ભોજન મળી રહ્યું નથી, જ્યારે પાકિસ્તાનની સરકાર પાસે પણ પુરતા નાણા નહીં હોવાથી સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પાકિસ્તાનની સ્થિતિને સુધારવાની કામગીરી સેન્ટ્રલ બેંક પાસે છે પરંતુ સેન્ટ્રલ બેંક આર્થિક રીતે નાણાંકીય તંત્રીનો સામનો કરી રહી છે. થોડા સમય પહેલા જ તેણે ભાવ અને નાણાંકીય સ્થિરતાની વૃદ્ઘિને પ્રાથમિકતા આપવા બદલ શેહબાઝ શરીફ સરકારની ટીકા કરી હતી. પાકિસ્તાનની પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે તેણે સરકારી કર્મચારીઓને મળતાં ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા પર પ્રતિબંધ મુક્યો છે. પાકિસ્તાનમાં અત્યારે ભુખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન સરકાર તેની નાણાંકીય અને ભાવ સ્થિરતા લાવવામાં નિષ્ફળ રહી છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકનો અંદાજ છે કે નાણાંકીય વર્ષ 2023માં વિકાસ દર લક્ષ્‍યાંક કરતાં ઓછો રહેશે. તેમજ વિકાસ દર પણ 3-4 ટકાથી ઓછો હોઈ શકે છે. એક માહિતી મુજબ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં તમામ સરકારી વાહનોને દર મહિને 120 લિટરથી વધુ ઇંધણ આપવામાં નહીં આવે. અને સરકારી કામ અર્થે શહેર કે ગામની બહાર જતા કર્મચારીઓને તેમના ગ્રેડ પ્રમાણે ત્રણને બદલે બે ડીએ આપવામાં આવશે. તેમજ નિયમિત કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હોવાના સમાચાર છે.