Site icon Revoi.in

પાકિસ્તાનના ફાઈનાન્સ એડવાઈઝરની સામાન્ય જનતાને ધમકી, ટેક્સ આપો, નહીં તો…..

Social Share

દિલ્હી :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળેલી છે તે વાતથી તો વિશ્વના મોટા ભાગના દેશો જાણકાર છે. પાકિસ્તાનમાં અત્યારે આર્થિક સંકટ ચાલી રહ્યું છે અને સરકારને પણ રૂપિયાની સખત જરૂર છે ત્યારે હવે પાકિસ્તાનના ફાઈનાન્સ એડવાઈઝર શૌકત તરીન દ્વારા સામાન્ય જનતાને ધમકી આપવામાં આવી છે. શૌકત તરીન દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકો દેશમાં ઈન્કમટેક્સ અને જીએસટી નહીં ચૂકવે તેમને મત આપવાનો અધિકાર પણ નહીં મળે. શૌકત ગયા મહિના સુધી દેશના નાણામંત્રી હતા, પરંતુ સેનેટમાં ચૂંટાઈ શક્યા નહોતા, તેથી તેમને પદ છોડવું પડ્યું હતું અને ઇમરાને તેમને રાતોરાત તેમના નાણાં સલાહકાર બનાવી દીધા.

શૌકત તરીન સોમવારે રાજધાની ઇસ્લામાબાદમાં સફળ જવાન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કારોબારીઓને ધમકી આપતાં કહ્યું હતું કે “હું પાકિસ્તાનના તમામ ઉદ્યોગપતિઓને ભારપૂર્વક એક મુદ્દો કહેવા માગું છું. દરેક ઉદ્યોગપતિએ ટેક્સ ચૂકવવો જ પડશે. જો તેઓ ટેક્સ નહીં ચૂકવે તો તેમને મતાધિકાર પણ નહીં મળે. જો આવકવેરા અને જીએસટી ચૂકવવામાં આવે તો બાકીનો કાપ મૂકી શકાય છે. હવે અમે લોકોને કર ચૂકવવા વિનંતી કરીશું નહીં. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો તથા આઇટી ક્ષેત્રો પાસે પૈસા નથી તો સરકાર તેમની મદદ કરવા માટે તૈયાર છે.

ઈમરાન ખાન 2018માં સત્તા પર આવ્યા હતા ત્યારથી લઈને અત્યારસુધી તેઓ ચાર ફાઈનાન્સ મિનિસ્ટર બદલી ચૂક્યા છે. તેઓ ચારેય તેમના નજીકના મિત્ર રહ્યા છે. શૌકત તરીન અને તેમના ભાઈ જહાંગીર તરીન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. હાલમાં જ પાકિસ્તાનમાં ઘણા લોકોનાં નામ પેન્ડોરા પેપર્સમાં સામે આવ્યાં હતાં. એમાં શોકત અને તેમના ભાઈ જહાંગીરનાં નામ પણ હતાં.