- પાકિસ્તાનના વિદેશ મંત્રી કાબુલની લેશે મુલાકાત
- તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના પહેલા મહેમાન
- પીએમ ઇમરાને તાલિબાનનું કર્યું સમર્થન
દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી રવિવારે એટલે કે આજે અફઘાનિસ્તાનની મુલાકાત લેશે. તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ કોઈ પણ દેશના મંત્રી દ્વારા કાબુલની આ પ્રથમ મુલાકાત હશે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે કુરેશીએ શુક્રવારે કહ્યું હતું કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં “સકારાત્મક ભૂમિકા” નિભાવવા માટે મક્કમ છે. તેમણે તાલિબાન બળવાખોરો અને યુદ્ધગ્રસ્ત દેશના ભૂતપૂર્વ નેતાઓને પરસ્પર પરામર્શ કર્યા બાદ સર્વસમાવેશક રાજકીય સરકાર રચવા વિનંતી કરી.
શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં કોઈ પણ રક્તપાતનો સામનો કરવા તૈયાર નથી અને લોકો દેશમાં શાંતિ અને સ્થિરતા શોધી રહ્યા છે જેને તાલિબાન વિદ્રોહીઓએ કબજે કરી છે. કુરેશીએ વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની રાજદૂત પણ તમામ અફઘાન હસ્તીઓના સંપર્કમાં છે.
નોંધનીય છે કે, અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તાલિબાનને ટેકો આપ્યો હતો. તેમણે તાલિબાનની તરફેણમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં હવે ગુલામીની બેડીઓ તૂટી ગઈ છે. લોકોએ ઇમરાન ખાનના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો અને તેમના પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ પણ લગાવ્યો.