Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને ઈમરાનખાનના સમર્થક શેખ રશીદની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ મુરી મોટરવે પરથી થઈ હતી. શેખ રશીદની સાથે તેના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદે દાવો કર્યો હતો કે, રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશિદ અવામી મુસ્લિમ લીગના વડા છે, તેમજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના નજીકના સમર્થક છે. ઈમરાન ખાનની સરકારમાં જ શેખ રશીદે પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું. તાજેતરમાં જ પોલીસે પીટીઆઈ નેતા અને ઈમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરી હતી.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઇનાયત ઉર રહેમાનની ફરિયાદ પર શેખ રશીદની ધરપકડ કરવામાં આવી છે. પીપીપી નેતાએ ઈસ્લામાબાદના અબપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીપી અધ્યક્ષ આસિફ અલી ઝરદારી ઈમરાન ખાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. શેખ રશીદે કહ્યું હતું કે આસિફ ઝરદારીએ ભ્રષ્ટાચારથી ઘણી કમાણી કરી છે અને આ પૈસા આતંકવાદી સંગઠનોમાં રોક્યા છે. ઝરદારીએ આતંકવાદી સંગઠનને પૈસા આપીને ઈમરાન ખાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું છે. પીપીપીએ શેખ રાશિદના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન હાલ ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં સત્તાને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે. ઈમરાન ખાનની પીએમ પદેથી હકાલપટ્ટી કર્યાં બાદ શહબાજ શરીફ વડાપ્રધાન બન્યાં હતા. હવે ઈમરાન ખાન તથા અન્ય વિપક્ષી પાર્ટીઓ આ સરકારને ઘેરી રહી છે.