Site icon Revoi.in

ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સના કેસમાં પાકિસ્તાનની સંડોવણી ખૂલી

Social Share

અમદાવાદઃ તાજેતરમાં ગુજરાતના દરિયામાંથી એનસીબી અને નેવીએ સયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. બે હજાર કરોડની કિંમતના ડ્રગ્સનો જત્થો ઝડપી લીધો હતો. આ પ્રકરણની તપાસ એજન્સીઓએ શરૂ કરેલી તપાસમાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓએ મોકલ્યો હોવાનું ખૂલ્યું છે. અરબી સમુદ્રના માર્ગે આ જથ્થો શ્રીલંકા મોકલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં સુરક્ષી એજન્સીઓએ સાતેક આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. જેમાં બે ઈરાની અને પાકિસ્તાનીઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના દરિયામાંથી તાજેતરમાં એનસીબી અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 800 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતુ. જેમાંથી 529 કિલો હશીશ ભારતમાં તેમજ 13 કિલો હેરોઈન અને 234 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ શ્રીલંકામાં ઉતારવાનું હતું તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે. દુબઈ સ્થિત પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાએ અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત અને ઈરાનમાં રિફાઈન્ડ કરાયેલા ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હોવાની માહિતી મળી છે. ડ્રગ્સ મોકલનાર મુખ્ય સૂત્રધાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા મૂળ પેશાવરનો છે. આ વ્યક્તિ દુબઈ છે અને ત્યાંથી જ ડ્રગ્સની ડીલ કરી હતી. ગુજરાતના મધદરિયામાંથી ઝડપાયેલા રૂ. 2 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં સુરક્ષા એજન્સીઓ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.