પ્રવાસીઓ માટે સૌથી અસુરક્ષિત શહેરમાં પાકિસ્તાનનું કરાચી અને બાંગ્લાદેશના ઢાકાનો સમાવેશ
નવી દિલ્હીઃ પાકિસ્તાન ઘણા આતંકવાદી સંગઠનોનો ગઢ રહ્યો છે. પેશાવરથી ક્વેટા સુધી દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન ઈચ્છે છે કે પ્રવાસીઓ તેમના દેશ આવે, જેથી વિદેશી આવક થાય, પરંતુ એક અહેવાલે તેની આશાઓ પર પાણી ફરીવી નાખ્યું છે. હકીકતમાં, રિપોર્ટમાં કરાચીને પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી જોખમી શહેર ગણવામાં આવ્યું છે. તેને 100માંથી 93.12નો સ્કોર આપવામાં આવ્યો છે. જો કે, વેનેઝુએલાના કારાકાસને પ્રથમ નંબર એટલે કે 100 ટકા સ્કોર સાથે સૌથી ખતરનાક શહેર માનવામાં આવે છે.
11 જુલાઈના રોજ સૌથી વધુ જોખમી શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કરાકસ પ્રથમ સ્થાને અને કરાચી શહેર બીજા સ્થાને હતું. જ્યારે મ્યાનમારનું યાંગોન 91.67ના સ્કોર સાથે વિશ્વનું ત્રીજું સૌથી ખતરનાક શહેર હતું. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશની રાજધાની ઢાકા પણ સૌથી ખતરનાક શહેરોની યાદીમાં સામેલ છે. તેને છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે, કરાચીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી બીજી- સૌથી ખરાબ મુસાફરી સલામતી રેટિંગ મળ્યું છે, જેમાં મુસાફરી પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે. રેન્કિંગ વધુમાં જણાવે છે કે, કરાચીમાં ચોથા નંબરનું સૌથી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષા જોખમ છે. જે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા અને ગુણવત્તા દર્શાવે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, પ્રવાસીઓ માટે સૌથી વધુ અને સૌથી ઓછા જોખમ ધરાવતા શહેરોની યાદી બનાવવા માટે સાત મુખ્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ગુના, વ્યક્તિગત સલામતી, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુદરતી આફતો અને ડિજિટલ સુરક્ષાના આધારે વિશ્વના 60 શહેરોની તુલના કરવામાં આવી હતી. એવું પહેલીવાર નથી બન્યું કે કરાચીને સૌથી જોખમી શહેર ગણવામાં આવ્યું હોય. તે રહેવા માટે યોગ્ય ન હોય તેવા શહેરોની યાદીમાં વારંવાર દેખાયું છે. 2017 માં, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરાચીને વિશ્વના સૌથી ઓછા સલામત શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
- આ સૌથી સુરક્ષિત શહેર
દુનિયાના ખતરનાક શહેરોની જેમ જ સૌથી સુરક્ષિત શહેરોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. સિંગાપોર વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં સામેલ છે. સિંગાપોરને 100માંથી ઝીરો પોઈન્ટ મળ્યા છે. તેની સલામતી, કુદરતી આપત્તિના ન્યૂનતમ જોખમો અને ઉત્તમ આરોગ્ય સંભાળ અને માળખાકીય સુવિધાઓને કારણે તેને રેન્કિંગ મળ્યું છે. જાપાનનું ટોક્યો શહેર વિશ્વનું બીજું સૌથી સુરક્ષિત શહેર છે. જ્યારે કેનેડાનું ટોરન્ટો શહેર ત્રીજું સૌથી સુરક્ષિત શહેર છે.
- પ્રવાસીઓ માટે ટોચના 10 સૌથી ખતરનાક શહેરો
કારાકાસ, વેનેઝુએલા, પાકિસ્તાનનું કરાચી, યાંગોન, મ્યાનમાર, લાગોસ, નાઇજીરીયા, મનિલા ફિલિપાઇન્સ, બાંગ્લાદેશના ઢાકા, બોગોટા, કોલંબિયા, કૈરો ઇજિપ્ત, મેક્સિકો શહેર, એક્વાડોર
- પ્રવાસીઓ માટે સૌથી સુરક્ષિત શહેર
સિંગાપોર, ટોક્યો જાપાન, ટોરોન્ટો કેનેડા, સિડની ઓસ્ટ્રેલિયા, ઝુરિચ સ્વિટ્ઝર્લૅન્ડ, કોપનહેગન, ડેનમાર્ક, સિઓલ, દક્ષિણ કોરિયા ઓસાકા, જાપાન, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા, એમ્સ્ટર્ડમ નેધરલેન્ડ
- પાકિસ્તાનનું સૌથી મોટું શહેર સૌથી ખતરનાક
કરાચી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર છે. આઝાદી પહેલાં, કરાચી બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતું. બાદમાં અંગ્રેજોએ બોમ્બે પ્રેસિડેન્સીથી અલગ સિંધ પ્રાંત બનાવ્યો અને કરાચીને તેની રાજધાની બનાવી. કરાચી અને આપણું શહેર મુંબઈ એક સમયે ઓછાવત્તા અંશે સમાન હતા. આજે પણ કરાચીને પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. કરાચી શહેરની વસ્તી બે કરોડથી વધુ છે. તે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંનું એક છે.