કોંગ્રેસ માટે પાકિસ્તાનના નેતા દુઆ માગી રહ્યાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદમાં વિશાળ જનમેદની સભાને સંબોધી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મે દેશને ગેરન્ટી આપી છે કે, 24*7 ફોર 2027. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાદીઓના સ્વપ્ન પુર્ણ કરવા માટે મને આપના આર્શિવાદ જોઈએ છીએ. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું છે અને દેશે 10 વર્ષ ભાજપાનો સેવાકાળ પણ જોયો છે. તે શાસનકાળ હતો આ સેવાકાળ છે. પીએમ મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનની પ્રશંસક ગણાવી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા માટે બેતાબ બની છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “કોંગ્રેસની નબળી સરકાર આતંકવાદના આકાઓને ડોઝિયર આપતી હતી, પરંતુ મોદીની મજબૂત સરકાર આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારી નાખે છે. સંયોગ જુઓ, આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. અહીં કોંગ્રેસ પાકિસ્તાન રડી રહી છે અને હવે પાકિસ્તાની નેતાઓ રાજકુમારને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક બન્યાં છે. પાકિસ્તાન અને કોંગ્રેસની આ ભાગીદારી હવે પુરી રીતે એક્સપોઝ થઈ ગઈ છે. કોંગ્રેસ માટે પાકિસ્તાની નેતા દુઆ કરી રહ્યાં છે. દેશના દેશ્મનોને આજે ભારતમાં મજબુત નહીં પરંતુ કમજોર સરકાર જોઈએ છે. જે પહેલા આતંકવાદીઓને લઈને વિગતો મોકલતી હતી. મોદીની મજબુત સરકાર જુકતી નથી અને રોકાતી પણ નથી. તેથી જ આજે દુનિયાન કહી રહી છે કે, દુનિયાના વિકાસને ભારત જ વિકાસ આપી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં કોંગ્રેસના શાસનમાં 60 ટકા ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય ન હતું. પરંતુ 10 વર્ષના ભાજપના શાસનમાં 100 ટકા ટોયલેટ બન્યાં છે. કોંગ્રેસના રાજના માત્ર 3 કરોડ ગ્રામીણ ઘરોમાં નળથી પાણી પહોંચતું હતું. હવે 14 કરોડથી વધારે ઘરમાં નળથી પીવાનું પાણી મળે છે. કોંગ્રેસે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. કોંગ્રેસે બેંકો ઉપર કબ્જો કર્યો હતો. ગરીબોના નામે કોંગ્રેસ સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું પરંતુ 60 વર્ષ સુધી કરોડો ગરીબોના બેંકમાં ખાતા ખુલ્યા ન હતા. મોદીએ 10 વર્ષમાં 50 કરોડ જનધન બેંક ખાતા ખોલ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે દેશ ક્યારેક આતંકવાદીઓ એક્સપોર્ટ કરતું હતું તે આજે લોટની આયાત કરી રહ્યું છે. જેના હાથમાં ક્યારેક બોમ્બ રહેતા હતા આજે તેમના હાથમાં ભીખનું કટોરો છે.