નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બંને દેશો વચ્ચે હેતુપૂર્ણ સંબંધની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ કાશ્મીરનો રાગ આલોપવાનું ભૂલ્યા નથી. આ પત્રમાં બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાહબાઝ શરીફનો આ પત્ર પીએમ મોદીના અભિનંદન પત્રના જવાબમાં આવ્યો છે. શાહબાઝ 11 એપ્રિલે વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીએ તેમને પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
પાકિસ્તાનની સંસદે અવિશ્વાસ મતમાં ઇમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા હતા. એક દિવસ પછી, શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ પછી પીએમ મોદીએ ટ્વિટર પોસ્ટમાં શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. 11 એપ્રિલના રોજ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે જેથી કરીને આપણે વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી સુનિશ્ચિત કરી શકીએ. તેના જવાબમાં શાહબાઝ શરીફે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો ઈચ્છે છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહબાઝે પીએમ મોદીને લખેલા જવાબમાં પત્રમાં કહ્યું, ‘શુભેચ્છાઓ માટે વડાપ્રધાન મોદીનો આભાર. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર સહિતના વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ જરૂરી છે. આતંકવાદ સામે લડતા પાકિસ્તાને ઘણું ગુમાવ્યું છે. ચાલો આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.