પાલનપુરઃ શહેરની નગરપાલિકામાં રોજબરોજનો ખર્ચ વધી રહ્યો છે. બીજી બાજુ પ્રોપર્ટી ટેક્સની પુરતી આવક થતી નથી. સરકારની ગ્રાન્ટ પણ કપાઈને આવી રહી છે. ત્યારે ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિ.ના સત્તાધિશોએ કરકસરના પગલે લેવાનું નક્કી કર્યું છે. જેમાં નગરપાલિકાની પાણી પુરવઠા શાખાના 17 આઉટસોર્સ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે બે મહિનાની રજા ઉપર જતા પહેલા પાલનપુર નગરપાલિકાની પાણી પુરવઠા શાખાના 17 આઉટસોર્સ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દીધા છે. મોટાભાગના કર્મચારીઓ પાછલા 6 થી 8 વર્ષથી પાલિકામાં ફરજ બજાવતા હતા. પાલિકા દ્વારા આગામી દિવસોમાં હંગામી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને શ્રેષ્ઠ કામગીરીને પ્રાધાન્ય અપાશે. પાલનપુર નગરપાલિકાની આર્થિક સધ્ધરતા ગ્રાન્ટો ઉપર નિર્ભર છે તેવામાં પાછલા કેટલાક વર્ષોથી ગ્રાન્ટ કપાઈ જતા સ્વભંડોળ પણ ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે. ક્યારેક ક્યારેક તો એવી સ્થિતિ સર્જાઈ હતી કે હંગામી કર્મચારીઓના પગાર કરવા માટે પણ એડજસ્ટમેન્ટ કરવું પડ્યુ હતુ. આવી સ્થિતિ વચ્ચે નગરપાલિકામાં કરકસરના ભાગરૂપે આઉટસોર્સ કર્મીઓની છટણી કરવાનો થોડા મહિના પહેલાં નિર્ણય લેવાયો હતો.
પાલનપુર પાલિકાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પાણી પુરવઠા શાખાના 17 કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે, જેઓ વાલમેન સહિત જુદી જુદી કામગીરી કરતા હતા જે પૈકી કેટલાક 2016 થી 17 ની ભરતી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલ નગરપાલિકાની ખસ્તા હાલતને સુધારવા માટે કેટલાક કઠોર નિર્ણયો લેવા મજબૂર બન્યા છે. અગાઉ ડમ્પીંગ સાઈડ પર હિટાચી અને જીસીબી મશીન ચલાવાયા હતા અને તેનું બિલ લાખોમાં બનતું હતું જે કામ આ વખતે કરકસરના ભાગરૂપે કરાયું નહોતું. અઢીથી ત્રણ હજાર રૂપિયા પ્રતિ કર્મચારીએ એજન્સી કાપી લેતી હોવાની ચર્ચા કર્મચારીઓમાં થતી હતી. એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમારો મૂળ પગાર કેટલો હતો એની અમને ખબર નથી.