પાલનપુરઃ શહેરના રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા અને ગંદકી કરનારા લોકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. જે લોકો કચરો ફેંકતા જણાશે તો તેમની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પણ કચરો જાહેર રસ્તાઓ પર ફેંકવામાં આવશે કે ગંદકી કરવામા આવશે તો નળ ગટરના કનેક્શનો કાપવા અને મિલક્તોને સીલ કરવા સુધીના પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર શહેરમાં નાગરિકોએ હવે કચરો જ્યાં ત્યાં નાખ્યો તો ખેર નથી. કચરો રસ્તા પર નાખવામાં આવશે તો પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નળ કલેક્શન, ગટર કનેક્શન અને મિલકત સીલ પણ કરવામાં આવશે, આવી એક જાહેર નોટિસ પાલિકાના બોર્ડ પર ચીપકાવવામાં આવી છે. તેમજ નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા એક આખરી નોટિસ જાહેર કરવામાં આવી છે. પાલિકાના ચીફ ઓફિસરે પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા માટે નવતર પ્રયોગ કર્યો છે. નોટિસ બોર્ડ જાહેર કરીને લખવામાં આવ્યું છે કે ગમે ત્યાં કચરો નાખશો તો સીઆરપીસીની કલમ 133 હેઠળ તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ન છૂટકે નળ, ગટર કનેક્શન કે મિલકત સીલ કરવા જેવા કડકના પગલાં લેવા વહીવટી તંત્ર મજબૂર બનશે. એવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ અંગે પાલનપુર નગરપાલિકા ચીફઓફિસર નવીનકુમારે સી પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં છેલ્લા છ મહિનાથી હું આવ્યો છું, કોઇ શહેર આવું ગંદુ ન હોય. અમે કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરીએ છીએ. અમારા ત્રણસો જેટલાં સફાઈ કામદારો શહેરમાં કામ કરે છે, છતાં પણ લોકો મનફાવે ત્યાં બે જવાબદાર રીતે કચરો ગમે ત્યા નાખી દે છે. હવે આ આખરી નોટિસ લગાવી છે. હવે ગમે ત્યાં કચરો નાંખ્યો તો કડક પગલાં ભરવામાં આવશે.