પાલનપુરઃ જંગલ જમીનના અધિકારને લઈને પાલનપુરમાં આદિવાસી સમાજના હજારો લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા હાથમાં બેનરો લઈને આદિવાસી બહેનોએ શહેરના રામપુરા ચોકડીથી 5 કિલોમીટર પગપાળા મૌન રેલી કાઢીને જંગલ જમીન અધિનિયમ 2006 ના પ્રમાણે જંગલ જમીનની માગણી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષોથી આદિવાસી લોકો જંગલની જમીનમાં ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સરકારે પાંચ અથવા 10 હેક્ટર જેટલી આદિવાસી લોકોને જમીન આપી છે. પરંતુ તેમના પરિવારના ગુજરાન ચલાવવા માટે આ જમીન પૂરતી નથી. ત્યારે 2006 ના જંગલ જમીનના અધિનિયમન પ્રમાણે આ આદિવાસી લોકોને જંગલ જમીનનો હક આપો એવું પ્રસ્થાપિત થયું હતું. પરંતુ આદિવાસી સમાજની વારંવારની માગણી છતાં પણ સરકારે આદિવાસી લોકોને જંગલ જમીનનો હક નથી આપ્યો અને જેને લઈને વર્ષોથી આદિવાસી લોકો લડત ચલાવી રહ્યા છે.
બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા,વડગામ અને પાલનપુર તાલુકાના 50 જેટલા ગામના હજારો આદિવાસી લોકોએ જંગલ જમીનની માગણી સાથે પાલનપુર શહેરના રામપુરા ચોકડીથી 5 કિલોમીટર પગપાળા મૌન રેલી કાઢી હતી.જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ રેલીની આગેવાની લીધી હતી અને ત્યારબાદ આ આદિવાસી લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચાર સાથે પોતાના હકની માગણી કરી હતી. જો જંગલ જમીનનો હક તેમને નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. બનાસકાંઠાના આદિવાસી સમાજને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓ જંગલની જમીન પર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને જંગલની જમીનના ખેડાણ માટેના હક્ક આપવા જોઈએ તેવી માગ ઊઠી છે.