પાલનપુરઃ ગુજરાત સરકારે તમામ એસટી ડિવિઝનોને નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં પાલનપુર એસટી ડિવિઝનને 23 નવી બસો ફાળવવામાં આવી હતી. જેમાં સ્લીપર, લક્ઝરી અને મીની બસનો સમાવેશ કરાયો હતો. નવી એસટી બસોનું લોકાર્પણ પાલનપુર ધારાસભ્યના હસ્તે કરાયું હતું. એસટીના 13 જેટલી મીની બસ જે ડેપોને ફાળવવામાં આવી છે. જેમાં પાલનપુર વિભાગને 4, થરાદને 2 , રાધનપુરને 2, અંબાજીને 2 મીની બસો ફાળવવામાં આવી છે.
ગુજરાત એસ.ટી .નિગમ દ્વારા ટુ બાય ટુ લક્ઝરી અને 13 મીની બસ મળી કુલ 23 બસો પાલનપુર ડિવિઝનને ફાળવાઇ હતી. 23 ડ્રાઈવરો નરોડાથી બસો લઈ પાલનપુર આવ્યા હતા. ત્યારબાદ શહેરના જુના બસ સ્ટેન્ડમાં ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે લીલી ઝંડી આપી બસોનું પ્રસ્થાન કરાવાયું હતું. પાલનપુર એસટી ડિવિઝનમાં જે ડેપોને નવી બસો ફાળવાય છે. જેમાં પાલનપુર, થરાદ, રાધનપુર અને અંબાજી ડેપોનો સમાવેશ થાય છે. પાલનપુર વિભાગને 4, થરાદને 2 , રાધનપુરને 2, અંબાજીને 2 અને પાલનપુર ડિવિઝનનાં અલગ-અલગ ડેપોને 13 મીની બસો ફાળવવામાં આવી છે.
પાલનપુર ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ ડેપો દ્વારા સોમવારથી વાવ-નવસારી અને થરાદ-ધાનેરા બે નવીન બસ રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. જેને લઈ મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે. થરાદ ડેપો દ્વારા નવિન સ્લીપર બસની ફાળવણી કરવામાં આવી હતી. જે બસ સાંજે ચાર કલાકે વાવથી ઉપડીને સવારે પાંચ વાગ્યે નવસારી પહોંચશે તેમજ ત્યાંથી રાતે 8-30 કલાકે ઉપડી સવારે 7-00 વાગે વાવ આવશે. તેમજ બપોરે ત્રણ અને સવારે 6-30 વાગ્યે થરાદથી ધાનેરા મિનીબસ જશે. આ બંન્ને બસોને થરાદ શહેર ભાજપ મહામંત્રી જેહાભાઇ હડીયલ અને શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી કલાવતીબેનના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર તથા કાશીરામ પુરોહિત, હાજાભાઇ રાજપુત, મનસુખલાલ રાઠોડ, ડેપોના ડિરેક્ટર દિનેશ પટેલ, અન્ય યુનિયનના હોદેદારો આગેવાનો અને મુસાફરો હાજર હતા.