અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રેલવે અન્ડરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ બ્રિજને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કામ થોડુ બાકી રહી ગયું હોવાથી બ્રિજને બંધ કરાયો હતો, આખરે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણના 15 દિવસે બ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકી દેવાતા વાહનચાલકોને રાહત થઈ છે.
શહેરના પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતાં રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ફાટકમુક્ત અભિયાન અંતર્ગત મેટ્રો રેલ પ્રોજેક્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલો અંડરપાસ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. 15 દિવસ બાદ પાલડી જલારામ અંડરપાસ નાગરિકો માટે શરૂ કરવામાં આવ્યો છે. અંડરપાસ ચાલુ થતાની સાથે જ હવે રોજના એક લાખથી વધુ વાહનચાલકોને લાભ થશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં જનારા લોકોને ફાયદો મળશે
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી ચાર રસ્તાથી લો-ગાર્ડન તરફ જતાં રોડ ઉપર જલારામ ક્રોસિંગ ખાતે બનાવાયેલાં અંડરપાસમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે મુજબનો ઢાળ બનાવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે યોગ્ય રીતે ઢાળ કરવા તેની ઉપર ડામર કટિંગ કરવાનું મેટ્રોના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ તેઓએ કર્યું નહોતું. અંડરપાસમાંથી પાલડી તરફ બહાર નીકળતા બંને તરફના રોડ ઉપર વાહનોની અવરજવરથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા થાય તેવું ધ્યાને આવતા રોડ પર ડિવાઇડર બનાવી અને યોગ્ય સર્કલ પણ બનાવી દેવામાં આવ્યું છે. રોડ પર ટ્રાફિક ન થાય તે રીતના આયોજન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી અંડરપાસ શરૂ કરવામાં આવ્યો છે.