ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર પર દબાણ બુ કરતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જો કે કર્મચારીઓમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે પંચાયતના આરોગ્યકર્મીઓ દ્વારા તેમના પ્રશ્નનો ઉકેલ ના આવે તો સોમવારથી આંદોલન ઉગ્ર બનાવવાની સરકારને ચીમકી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓએ હડતાલ ચાલુ રાખવાનો પુનરોચ્ચાર કર્યો છે. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયું છે કે હાલ વડાપ્રધાનના કાર્યક્રમમાં સરકાર વ્યસ્ત છે, પરંતુ સરકારને અનેક રજુઆતો કરવા છતાં પ્રશ્નો ન ઉકેલાતા સોમવારથી ગાંધીનગર કક્ષાએ આક્રમક કાર્યક્રમ અપાશે. દરમિયાન ભારતીય કિસાન સંઘ દ્વારા ભાજપના ખેડૂતોની યોજનાનો પ્રચાર પ્રસાર કરતા નમો પંચાયત કાર્યક્રમો વિરોધ જારી રખાયો છે. પ્રાંતિજ ખાતે યોજાયેલા નમો પંચાયતના કાર્યક્રમમાં કિસાન સંઘના કાર્યકરોએ જઇને વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત ગામડાની પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટરો યાને વીઈસીના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. તેમની હડતાળ સામે સરકારે લાલ આંખ કરીને તેમને નોકરીમાંથી છૂટા કરવાના આદેશ કરતા વીસીઇ મંડળ દ્વારા વડાપ્રધાનને સ્પીડ પોસ્ટથી લખાયેલા પત્રમાં 14 હજાર કર્મચારીઓને પગાર આપીને તેમનું ભવિષ્ય સુધારવા માગણી કરાઇ છે. ગુજરાત સરકારને અનેક રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો નહીં હોવાનો ઉલ્લેખ કરતા પત્રમાં જણાવાયું હતું કે, શૈક્ષણિક લાયકાતના આધારે 16 વર્ષથી કામ કરતા હોવાથી 19500નો ફિક્સ પગાર આપવામાં આવે, તોમજ સારી રીતે કામગીરી થઇ શકે તે માટે સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવી અને છૂટા કરેલા વીસીઇને પરત લેવા જણાવાયું છે. રાજ્ય સરકાર કરોડોની ગ્રાન્ટ ઇ-ગ્રામ સોસાયટીને આપે છે તેમાં વધારો કરીને વીસીઇ માટેનો પગાર આપવા પણ માગણી કરાઇ છે. (file photo)