Site icon Revoi.in

ગુજરાતમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત, સરકારની પ્રશ્નો ઉકેલવાની ખાતરી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કર્ચારીઓને પણ મોકો જાઈને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા આંદોલનો શરૂ કરતાં સરકારે મનામણા શરૂ કર્યા હતા. જેમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાનો નિવેડો આવી જતાં હડતાળનો અંત આવ્યો છે.  રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ હેલ્થ વિભાગના કર્મચારી એસોસિએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ કર્મચારીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે.

રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીના સભ્યો જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, નિમિષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલી બેઠકમાં પંચાયત વિભાગના કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા આ નિર્ણય કરાયો છે.

સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પંચાયતના કર્મીઓ દ્વારા જે માગણીઓ કરવામાં આવી છે તેનો આગામી એક માસમાં રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોનાકાળ દરમિયાન રજામાં બજાવેલી ફરજોનો પગાર આપવા સહિતની મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક મહિનામાં જ હકારાત્મક રીતે નિર્ણય લેશે. કર્મચારીઓને હડતાલ પાછી ખેંચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસિએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.