ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા જ 5000થી વધુ વસતીવાળી પંચાયતોનું વિભાજન કરાશે !
ગાંધીનગરઃ ગુજરાતમાં આબીસી અનામત અંગેનો જસ્ટિસ ઝવેરી પંચનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે. એટલે ઐબીસી અનામત માટેનો સરકાર નિર્ણય જાહેર કરે ત્યાર બાદ જિલ્લા-તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો. તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ ની વિધિવત જાહેરાત કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય તે પહેલા મોટી ગ્રામ પંચાયતોનું વિભાજન કરવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. ગુજરાત સરકાર દ્વારા 5 હજારથી વધુ વસતી ધરાવતા ગામની ગ્રામ પંચાયતોનું વિભાજન કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. આ માટે ગ્રામ પંચાયતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવતા 55 ગ્રામ પંચાયતોએ આ માટે તૈયારી દર્શાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યના પંચાયત વિભાગના રાજ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું.કે, રાજ્યમાં 14455 ગ્રામ પંચાયત છે. આ પંચાયતોમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચના અહેવાલને આધારે સરકારે નિર્ણય કરવાનો બાકી છે, પરંતુ આ અંગે કોઈ જાહેરાત થાય તે પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોનું વિભાજન કરવાની કામગીરી હાથ ધરી દીધી છે. સામાન્ય રીતે એક હજારથી લઈને પાંચ હજારની વસતી ધરાવતા વિસ્તારને ગ્રામ પંચાયત તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. પાંચ હજાર કરતા વસતી વધી જાય તો પંચાયત વિસ્તારના યોગ્ય અને સંતુલિત વિકાસ માટે તેનું બે અલગ અલગ પંચાયતોમાં વિભાજન કરવું હિતાવહ છે. અગાઉ રાજય સરકારે આવી વધુ વસતી ધરાવતી 200 ગ્રામ પંચાયતનું વિભાજન કરીને કુલ 400 નવી ગ્રામ પંચાયતોની રચના કરી હતી. નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ થતા વધુ લોકોને તેમાં પોતાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે. આ રીતે ભાજપ સરકાર પોતાને સમર્થિત વધુ પંચાયતોનો આંકડો રજૂ કરી શકે છે. (File photo)