પંચમહાલઃ શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વીજ કંપનીના દરોડા, 22 લાખની વીજ ચોરી ઝડપાઈ
અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરામાં વીજ કંપનીએ દરોડા પાડીને રૂ. 22 લાખથી વધારેની વીજ ચોરી ઝડપી લીધી હતી. વીજ કંપનીના દરોડાને પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના રેણા, મોરવા, ઉજડા, વકતાપુરા, નવા વલ્લભપુર, જુના વલ્લભપુર, નવી વાડી, જૂની વાડી, ભુરખલ, ભાટના મુવાડા સહિતના ગામોમાં વીજ કંપનીના સ્ટાફે દરોડા પાડ્યાં હતા. વીજ કંપનીના દરોડાને પગલે ખળભળાટ મચી ગયો હતો. ગોધરા અને વડોદરા કચેરીની લગભગ 24 જેટલી ટીમોએ દરોડા પાડ્યાં હતા. વીજ કંપનીના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં ગઈકાલે વીજ કંપનીએ વ્યાપક દરોડા પાડ્યાં હતા. દરિયાપુર અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાથી રેડમાં એક ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 450 પોલીસ કર્મચારી તેમજ વીજ કંપનીના 200 કર્મચારીએ નગીના પોળ, ઘંટીવાળો ખાંચો, ઝીંઝીવડ અને વાડીગામમાં વિજિલન્સ રેડ હાથ ધરી હતી. લગભગ 350 ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 99 ઘરમાંથી વીજ ચોરી પકડાઈ હતી. વીજ ચોરી કરનારામાં 7 કોમર્શિયલ યુનિટનો પણ સમાવેશ થતો હતો.