હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલી ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુથી વર્ષ 2015 થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જો કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા બે વર્ષ દરમિયાન આ આયોજન શક્ય થઈ શક્યું નહોતું. હવે આ વર્ષે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર દરમિયાન પંચ મહોત્સવ યોજાસે જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષ 2022 દરમિયાન આગામી તા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પંચમહોત્સવનું આયોજન વડા તળાવ, તા. હાલોલ ખાતે કરાશે. જે આયોજનને લઈને જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે વિવિધ સબંધીત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સુચારુ સલાહ સૂચનો કર્યા હતા. જેમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. આ દિવસ દરમિયાન કલાકારો થકી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. જેમાં તા. 25ના રોજ આદિત્ય ગઢવી, તા. 26ના રોજ હિમાલી વ્યાસ, તા.27ના રોજ ઉર્વશી રાદડિયા, તા. 28ના રોજ ધર્મેશ બારોટ અને અભિતા પટેલ, તા. 29ના રોજ પાર્થ ઓઝા, તા.30ના રોજ કિંજલ દવે, તા. 31ના રોજ મેઘ ધનુષ બેન્ડ સહિત સ્થાનિક કલાકારો પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ સહિત સબંધીત અધિકારીગણ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.