કાશ્મીરની ઘાટીમાંથી ચાલુ વર્ષે પંડિતોએ હિજરત નથી કરીઃ કેન્દ્ર સરકારનો દાવો
નવી દિલ્હીઃ રાજ્યસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ગૃહ મંત્રાલયે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોનો આંકડો પણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2022 દરમિયાન કોઈ કાશ્મીરી પંડિત ખીણમાંથી હિજરત કરી શક્યા નથી.
ચોમાસુ સત્રની કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, યોગ્ય સમયે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. કોઈપણ રાજ્યમાં ચૂંટણી યોજવી એ ચૂંટણી પંચના હાથમાં છે. ગૃહમાં વર્ષ 2020, 2021 અને 2022ના આંકડા રજૂ કરતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, રેકોર્ડ મુજબ, વર્ષ 2022 દરમિયાન કાશ્મીર ખીણમાંથી કોઈ કાશ્મીરી પંડિત ગયા નથી. ઘાટીમાં હજુ પણ કાશ્મીરી પંડિતોની સંખ્યા 6,514 છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. તેમજ અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓને સુરક્ષા જવાનોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં છે.