ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે, ત્યારે હાઈકમાન્ડના આદેશથી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી સિનિયર મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના મહત્વના ખાતાં છીનવી લીધા હતા. એકાએક લેવાયેલા આવા નિર્ણયથી પટેલની સરકારના અન્ય મંત્રીઓમાં પણ ભય વ્યાપી ગયો હતો. કે, ક્યારે મંત્રીપદ જતું રહે તે નક્કી નહીં, માટે મંત્રીઓ તમામ કામોમાં હવે વધુ સાવચેતી રાખી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લીધા હતા. જેમાં મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો હતો. તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન મંત્રાયલ લઈને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપાયું હતું. આવતા મહિને એટલે કે, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે, સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, તે સમયે ભાજપના હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધા છે. જેના આધારે કેબિનેટ મંત્રીના મહત્વના ખાતા લઈ લેવાયા હોવાનું કહેવાય છે, હજુ પણ આગામી દિવસોમાં મંત્રીઓની ટિકિટથી લઈને મંત્રી મંડળમાં ફેરફારના નિર્ણયો લેવામાં આવી શકે છે. આ સાથે સરકારની એક વર્ષની ઓવરઓલ કામગીરીનું પણ સરવૈયું કાઢવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બરમાં આખેઆખી વિજય રૂપાણી સરકારને ઘરભેગી કરી મુખ્યમંત્રી સહિત આખા મંત્રી મંડળમાં નવાને જ ચાન્સ આપ્યો હતો. એકાએક સરકાર બદલવા સાથે નવા નિશાળીયા જેવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના હાથમાં શાસન સોંપવનો કઠોર નિર્ણય ભાજપ હાઈકમાન્ડે એક વર્ષ પહેલાં લીધો હતો. હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર શાસનનું એક વર્ષ પૂરું કરી રહી છે. ત્યારે ભાજપે એકવર્ષ પહેલાં સરકાર બદલવાના લીધેલા કઠોર નિર્ણયમાં સફળ થઈ કે નહીં તે અંગે ભાજપ દ્વારા તમામ પ્રકારના સર્વે અને માહિતી એકઠી કરવામાં આવી રહી છે, એટલે કે ભુપેન્દ્ર પટેલ સરકારની એક વર્ષની કામગીરી ભાજપને આગામી ચૂંટણીમાં કેટલી ફળશે તે નક્કી થઈ શકે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પટેલ સરકારના મંત્રીઓની કામગીરી અંગે એક રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું હતું અને તેમાં બહુ ઓછા મંત્રીઓ એક વર્ષના સમયગાળામાં તેમને આપવામાં આવેલા વિભાગોમાં કોઈ નોંધપાત્ર કામગીરી બજાવી શક્યા છે. એટલું જ મંત્રીઓ પોતાની જવાબદારી સંભાળી શક્યા છે કે નહીં તેનો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર સરકારમાં મુખ્યત્વે કામગીરી મુખ્યમંત્રીની આસપાસ જ રહી હતી. આ ઉપરાંત બે ત્રણ મંત્રીઓ પણ પોતાના વિભાગમાં એક્ટિવ જોવા મળ્યા હતા. એકાએક પટેલ સરકારના બે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહેસુલ અને માર્ગ મકાન જેવા મહત્વના ખાતા ખૂંચવી લેવામાં આવ્યા છે. તે જોતા આગામી દિવસોમાં હજુ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તો નવાઈ નહીં. એટલે મંત્રીઓમાં ભય જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભાજપના રિપોર્ટ કાર્ડમાં મંત્રીઓની ઓફિસોમાં પણ કોની-કોની અવરજવર થાય છે, તે અંગે પણ સતત સ્કેનિંગ રહ્યું હતું અને તેમાં અનેક મંત્રીઓ હવે નાપાસ થયા છે અને સૌથી મહત્વનું છે કે ફક્ત તેઓની ટિકિટ કપાઈ તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમના સ્થાને હવે જે નવા ચહેરાઓને ટીકિટ આપશે તેમાં તેમની વહીવટી ક્ષમતા એટલે કે મંત્રી પદ આપવામાં આવે તો ચાલી શકે કે નહીં તેવો ક્રાઇટેરિયા જોવામાં આવી શકે છે.