ગાંધીનગરઃ રાજ્યના મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ આજે પૂર્ણ તેમને વિદાય આપવામાં આવી હતી. આજે નવા મુખ્યસચિવ તરીકે પંકજકુમારે કાર્યભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્યસચિવનો ચાર્જ સાંભળ્યા બાદ પંકજકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ તેજ ગતિથી ચાલે છે, ગુડ ગર્વનરને આગળ વધારવા ટીમ ભાવનાથી સહકાર સાથે કામ કરવામાં આવશે. કોરોના સામે કામગીરી કરવાની છે. વરસાદ ખેંચાશે તો પ્રશ્ન કે જે પણ અપદા હશે એને સંપૂર્ણ રીતે નિવારવા પ્રયત્ન કરીશું. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને રાજ્યના વિકાસની હરણફાળ આગળ વધે તેવા પ્રયાસો કરીશું
ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે પંકજકુમારે આજે ચાર્જ સંભાળ્યો હતો. પંકજકુમાર 1986 બેચના IAS અધિકારી છે. તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે હાલ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા હતા. નોંધનીય છે કે અનિલ મુકિમનો કાર્યકાળ સમાપ્ત થતા નવા મુખ્ય સચિવ પદે પંકજકુમારની વરણી કરવામાં આવી હતી. રાજયના મુખ્ય સચિવ પદે અનિલ મુકિમના અનુગામી તરીકે પંકજકુમાર અને ડૉ.રાજીવકુમાર ગુપ્તાનું નામ પહેલેથી જ ચર્ચામાં હતા. મુખ્ય સચિવ પદે નિયુક્ત થયેલા પંકજ કુમારનો કાર્યકાળ માત્ર 9 માસ માટે હશે. પરંતુ આગામી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંકજ કુમારને વિધાનસભાની ચૂંટણી પૂરી ના થાય અને નવી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી એક્સ્ટેન્શન આપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળતા પંકજકુમારને તેમના અનેક મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા હતા. સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ફુલો અને બુકે લઈને પંકજકુમારને શુભેચ્છા આપવા ગયા હતા.
રાજયના નવનિયુકત મુખ્યસચિવ શ્રી પંકજ કુમારે વયનિવૃત્ત થતા મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમને નિવૃત્ત જીવન માટેની શુભેચ્છાઓ આપી હતી. પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમનામાં વિશ્વાસ મૂકી મુખ્યસચિવ તરીકેની અગત્યની જવાબદારી આપી છે તેને ખૂબજ નિષ્ઠાથી નિભાવશે અને તેમના વહીવટી અનુભવ થકી ગુજરાત વધુને વધુ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વયનિવૃત્ત થતા મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમે નવનિયુકત મુખ્યસચિવ શ્રી પંકજકુમારને શુભેચ્છા આપીને ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓનો જે વ્યાપક સહયોગ મળ્યો એ બદલ સૌનો આભાર માન્યો હતો.