અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસે ધમધમાટ તેજ બનાવી છે. તેમજ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીએ 30થી વધારે પરીક્ષાર્થીઓ પાસે પપર સોલ્વ કરાવ્યું હતું. એટલું જ નહીં પેપર માટે કેટલાક ટ્યુશન કલાસીસના સંચાલકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય સુત્રધાર જયેશ પટેલે 30થી વધુ પરીક્ષાર્થીઓને હેડ ક્લાર્કનું પેપર સોલ્વ કરાવ્યું હતું. આ માટે જયેશે પરીક્ષાર્થી દીઠ 6 લાખ રૂપિયા લેવાના નક્કી કર્યા હતા. જેમાંથી ઘણા પરીક્ષાર્થીઓ પાસેથી અડધી રકમ એડવાન્સમાં લેવાઈ હતી. જે પરીક્ષાર્થીઓને જયેશે પેપર સોલ્વ કરાવ્યું હતું તેમની યાદી પણ પોલીસે મેળવી છે. પોલીસે જયેશના બેન્ક એકાઉન્ટ અને કોલ રેકોર્ડની વિગતો મેળવી છે.
આરોપી કેટલાક ટ્યુશન ક્લાસના સંચાલકોના સંપર્કમાં હતો. જયેશે 3 ટ્યુશન સંચાલકો સાથે લાખો રૂપિયામાં ડીલ કરી હતી. હાલ આ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેમાં ગાંધીનગરના એક ટ્યુશન સંચાલકનો પણ સમાવેશ થાય છે. પેપર લીક પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપીઓની ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. એટલું જ નહીં આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેપર લીક મામલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ગૌણ સેવા પસંદગી મંડળના આસિત વોરાના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે.