અમદાવાદઃ ગૌણસેવા પસંદગી મંડળના હેડક્લાર્કનું પેપર લીક કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન પોલીસે મુખ્ય સુત્રધાર જયેશ પટેલના ભાઈ સંજય પટેલ સહિત વધારે પાંચ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં લગભગ 27 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓ ઈડર અને પ્રાંતિજના હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેપર લીક પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરીને સંજય પટેલની ધાનેરાથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપી અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ અને ધીમેન પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પેપર લીક પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત ગુરુવારના રોજ મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ અને રાજુ અગ્રવાતની ધરપકડ કરી હતી. અને, શુક્રવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે દેવલ પટેલના 28 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતો. તો રાજુ અગ્રવાતના રિમાન્ડ ના મંજુર કર્યા છે. તો રાજુ અગ્રવાત અમરેલી જિલ્લાના બાબરાનો હોવાને લઇ વધુ તપાસ જરૂરી હોવાને લઇ પોલીસે પણ રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી માટેની તૈયારી કરી લીધી હતી.
(Photo-File)