પેપર લીક પ્રકરણઃ પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા
અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસ દ્વારા ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. પેપર લીક પ્રકરણમાં અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે પેપર લીક પ્રકરણમાં પકડાયેલા આરોપીઓની કરેલી પૂછપરછમાં વધારે ત્રણ આરોપીઓના નામ સામે આવ્યાં હતા. જેથી પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આરોપીઓની તપાસમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે આ પ્રકરણમાં 11 આરોપીઓની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિતના આરોપીઓને અત્યાર સુધીમાં ઝડપી લીધા છે.
હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાને પગલે રાજકારણ ગમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક પ્રકરણના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યાં હતા. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં ગૌણસેવા પસંદગી મંડળના આસિત વોરાના રાજીનામાની પણ માંગણી ઉઠી છે. તાજેતરમાં જ આસિત વોરાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. સરકાર સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહી છે. સરકારે હેડક્લાર્કની પરીક્ષા રદ કરવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. હવે આગામી માર્ચ મહિનામાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.