પેપર લીક કેસ:વધારે બે આરોપી પોલીસ સકંજામાં,પકડાયેલા આરોપીમાંથી એકના રિમાન્ડ મંજૂર
- પેપર લીક કેસ
- પોલીસે વધારે બે આરોપીની કરી અટકાયત
- પકડાયેલા આરોપીમાંથી એકની રિમાન્ડ મંજૂર
અમદાવાદ: હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવવા વાળા લોકો અને સરકારની આંખોમાં ધૂળ નાખીને સરકારી પરીક્ષાનું પેપર ફોડનારા લોકો પર અત્યારે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પેપર લીક કેસ મુદ્દે હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પોલીસના હાથમાં વધારે બે લોકો આવ્યા છે. ગુજરાત પોલીસે આ બે લોકોની અટકાયત કરી છે અને તપાસ આગળ વધારી છે.
જાણકારી અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે વધુ બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે એક આરોપીના રિમાન્ડ મંજુર કર્યા. ગુરુવાર મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. અને, શુક્રવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. અને આરોપી પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલની સામસામે દલીલ ચાલી હતી.
પેપર લિકમાં સંડોવાયેલા અને અગાઉ ઝડપેલા ત્રણ આરોપીને 20 ડિસેમ્બરે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને કોર્ટે 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા હતા. અને શુક્રવારે ફરી કોર્ટમાં રજૂ કરતા પોલીસે વધુ તપાસ માટે આઠ દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના રિમાન્ડ ના મંજુર કર્યા હતા.