અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની તાજેતરમાં યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે તપાસનો આરંભ કરીને મુખ્ય આરોપી જયેશ પટેલ સહિતના 11થી વધારે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓએ રૂ. 10થી 15 લાખમાં પેપરનું વેચાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બીજી તરફ પરીક્ષા રદ કરવાની માંગણી ઉઠી હતી. તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરાને દૂર કરવાની માંગણી સાથે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ કાર્યાલય ઉપર હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ભાજપ અને “આપ”ના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, હેડ ક્લાર્કની 186 પદ માટે 87 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારો અને તેમના પરિવારજનોના સ્વપ્ન જોયા છે. તેમની સાથે અન્યાય નહીં થવાય દેવાય. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો પગલાં લેવામાં આવશે. ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે. એટલું જ નહીં આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પરીક્ષાના પેપર ફોડવાનો પ્રયાસ કરી શકશે નહીં. રાજ્ય સરકાર પેપર લીક પ્રકરણને ગંભીરતાથી લઈ રહી છે. તેમજ આ પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી છે.