રાજકોટમાં ભાજપના નેતાની કોલેજમાંથી પેપર ફૂટ્યા હતા, સૌરાષ્ટ્ર યુનિ.એ નોંધાવી ફરિયાદ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપર ફુટી જતાં હોબાળો મચ્યો હતો. તે સમયે યુનિ.દ્વારા તપાસ સમિતિ પણ નિમવામાં આવી હતી. અને જવાબદારો સામે પગલાં લેવા વિદ્યાર્થીઓ આંદોલનો પણ કર્યા હતા. આખરે 111 દિવસ બાદ યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરીક્ષાના પેપર પૂર્વ સીએમના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યાનો ધડાકો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો, પોલીસે કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીકોમના પેપર ફૂટવાને મામલે રાજકોટની એચ.એન.શુકલ કોલેજના કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. કોલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગત ઓક્ટોબર 2022માં મહિનામાં પેપર ફૂટ્યા હતા. 111 દિવસ બાદ આખરે પેપર ફૂટવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી પરીક્ષાના પેપર ફુટવાની ઘટનામાં ફરિયાદ નોંધાવવામાં યુનિવર્સિટીના સત્તાધિશો આનાકાની કરતા હતા.બીજી બાજુ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફરિયાદ નોંધાવવા યુનિ.ના સત્તાધિશો પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. આખરે યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. કહેવાય છે કે, જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 12મી ઓક્ટોબર-22ના રોજ BBA અને B.COMના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પેપર લીક થવાના કેસમાં તપાસમાં FSLની ટીમે તપાસ હાથ ધરી હતી. તેમજ અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા.