અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વેકેશન જાહેર થતા હવે ઓનલાઈન શિક્ષણ પણ નહીં થઈ શકે માટે શહેરોમાં રહેતા કેટલાક વાલીઓ પોતાના પરિવારને ગામડે મોકલી રહ્યા છે.
કોરોનાના કારણે વિદ્યાર્થીઓને વેકેશન મળ્યું ના હોવાને કારણે આ વખતે વહેલું વેકેશન આપવાની પણ માંગણી થઈ હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરી વેકેશન બાદ સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ વખતે કોરોનાની સ્થિતિને કારણે એપ્રિલ માસમાં સ્કૂલો શરૂ કરવી શક્ય ના હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવું શૈક્ષણિક વર્ષ 2020-21 શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 6 જુન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન રહેશે. ત્યાર બાદ સાતમી જૂનથી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરીને નવું સત્ર શરુ કરવાની તૈયારી કરાશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11માં પ્રથમ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની ફરીવાર કસોટી યોજ્યા બાદ જ પ્રમોશન આપવા અંગેની જાહેરાત બાદ પરીક્ષાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ દરમિયાન વેકેશન ચાલુ થઈ રહ્યું હોવાથી તેમજ કોરોનાની પરિસ્થિતિને જોતા હાલના તબક્કે પરીક્ષા યોજી શકાય તેમ ના હોવાથી આ પરીક્ષા જુન મહિનામાં બોર્ડની પરીક્ષા બાદ યોજાય તેવી શક્યતાઓ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં માસ પ્રમોશન આપવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. જેમાં પ્રથમ કસોટીના 50 અને આંતરિક મુલ્યાંકનના 20 ગુણ મળી 70 ગુણના આધારે વિદ્યાર્થીના પરિણામ જાહેર કરવા માટે આદેશ અપાયો હતો.