અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ શિક્ષણને અસર થઈ છે. બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. તેમજ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનની જોહેરાત કરવામાં આવી છે. હાલ તમામ શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ રહેવાની શક્યતા છે ત્યારે વાલી મંડળોએ શાળાઓની ફી 50 ટકા માફીની માગણી કરી છે.
રાજ્યમાં કોરોના ને કારણે ગત વર્ષે પણ શિક્ષણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું. ત્યારે શાળાઓ દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવતા હાઇકોર્ટમાં PIL થઈ હતી. જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી માફી આપવાનો આદેશ કર્યો હતો. ત્યારે આ વર્ષે પણ શિક્ષણ ઓનલાઇન જ આપવામાં આવશે તેવી શક્યતા છે ,જેથી વાલી મંડળો દ્વારા 50 ટકા ફી માફી માંગણી કરવામાં આવી છે. ગત વર્ષે સ્કૂલોમાં 25 ટકા ફી માફી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે શિક્ષણ ઓનલાઇન થવાની શક્યતા છે. ઉપરાંત સ્કૂલો દ્વારા 25 ટકા ફીનો વધારો કરવામાં આવ્યો છે, જેથી વાલી મંડળો દ્વારા વર્ષ 2021-22ની 50 ટકા ફીની માફીની માંગણી કરી છે.
ઓલ ગુજરાત વાલી મંડળ અને વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને 1થી 12 ધોરણ ની ફીમાં 50 ટકાનો ઘટાડો કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે વાલી મંડળોએ 100 ટકા ફી માફીની જ માંગ કરી હતી. પરંતુ સરકાર તરફથી જણાવાયું હતું કે હાઇકોર્ટે 100 ટકા ફી માફીનો ઠરાવ રદ્દ કર્યો હોવાથી તેનો અમલ કરવો શક્ય નથી. આ સંજોગોમાં સરકાર, સંચાલકો અને વાલીઓને યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા સરકારે ત્યારે વાલીઓને જણાવ્યું હતું.