અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ભયભીતઃ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલોમાં પણ જોવા મળી રહી છે. સંતાનો કોરોના સંક્રમિત ના થાય તે માટે ચિંતિત વાલીઓએ હવે બાળકોને સ્કૂલ મોકલતા પણ અચકાઈ રહ્યાં છે. પહેલા સ્કૂલમાં 50થી 55 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. જો કે, હવે માત્ર 30થી 35 ટકા વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન મેળવે છે.
ગુજરાતમાં કોરોના વાચયરસનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી સરેરાશ 700થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ કોરોના ટેસ્ટીંગની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-9થી 12ના વર્ગો સરકારની ગાઈડલાઈન અનુસાર શરૂ થયાં હતા. આ ઉપરાંત સ્કૂલમાં નહીં આપનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવતું હતું. પહેલા અમદાવાદમાં 50થી 55 ટકા જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હતા. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા હવે 30થી 35 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે. જો કે, વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થતા હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. તેમજ સ્કૂલ સંચાલકોને સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા નિર્દેશ કર્યો હતો.