ગુજરાત સરકારે મેડિકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો સંપૂર્ણ પરત ન ખેંચતા વાલીઓ કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાત સરકારે મેડિકલની ફીમાં તોતિંગ વધારો કરતા તેનો ભારે વિરોધ થયો હતો. તેથી વધારેલી ફીમાં સરકારે થોડો ઘટાડો કર્યો છે. ત્યારે વાલીઓ દ્વારા મેડિકલ કોલેજોની વધારેલી ફી સંપૂર્ણ પાછી ખેંચવાની માગણી કરવામાં આવી છે. આજે ગુરૂવારે અમદાવાદની GMERS કોલેજ પાસે વાલીઓ એકઠા થયા હતા. વાલીઓએ રસ્તા પર વાટકા લઈને લોકો પાસે ભીખ માંગી હતી. ભીખમાં મળેલા પૈસા GMERSને આપીને વધારેલી ફી ઘટાડવા માગ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે GMERS (ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજની ફીમાં ગત 30 જૂન, 2024ના રોજ વધારો કર્યો હતો. આ ફી વધારાનો રાજ્યભરમાં વિરોધ થતાં રાજ્ય સરકારે ફી વધારો કર્યાના 16 દિવસ બાદ યુ-ટર્ન માર્યો હતો અને ફીમાં થોડો ઘટાડો કર્યો હતો. પરંતુ વાલીઓએ પૂરેપૂરી ફી વધારો નાબૂદ કરવાની માગ કરી હતી. જે માગ પૂરી ન થતાં આજે ગુરૂવારે અમદાવાદમાં વાલીઓ GMERSની બહાર ભેગા થયા હતા. વાલીઓએ GMERS બહાર રસ્તા પર વાટકા લઈને લોકો પાસે ભીખ માંગી હતી. ભીખમાં મળેલા પૈસા GMERSને આપીને વધારેલી ફી ઘટાડવા માગ કરવામાં આવી છે.
રાજયભરમાં GMERS ફીના વાધારાને લઈને વિરોધ જોવા મળ્યો હતો. લોકોના ભારે વિરોધ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ફી વધારાનો પરિપત્ર પરત ખેંચવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરિપત્ર પરત લીધા બાદ સરકાર દ્વારા ફીમાં અગાઉની ફી કરતા 14થી 34 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને લઈને ફરીથી વિરોધ શરૂ થયો છે. સરકારના નવા પરિપત્રથી પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સોલામાં આવેલી GMERS કોલેજ બહાર મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થયા હતા. વાલીઓ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો છે. વાલીઓ હાથમાં વાટકા અને બેનર સાથે ઊભા હતા અને આવતા-જતા લોકો પાસેથી ભીખ માંગી હતી. GMERS માટે ભીખ આપોના નારા સાથે વાલીઓએ ભીખ માંગી હતી. રસ્તે જતાં વાહનચાલકો પાસેથી પણ વાલીઓએ ભીખ માંગી હતી. જે બાદ તમામ વાલીઓ ચાલતા-ચાલતા સોલા વિસ્તારમાં પણ ભીખ માંગવા માટે પહોંચ્યા હતા.
વાલીઓએ જણાવ્યું હતુ કે, સરકારે મેડિકલ કોલેજોમાં ફી વધારો કર્યો હતો, જેમાં વિરોધ બાદ સરકારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. ફી વધારો વાલીઓ અને વિદ્યાર્થીઓને મંજૂર નથી, એટલા માટે અમે ભીખ માંગી રહ્યા છે.