Site icon Revoi.in

વાલીઓને કોરોનાનો હજુ પણ ડર, બાળકોનું વેક્સિનેશન થયા ત્યાં સુધી સ્કૂલ ન મોકલવાની ઈચ્છા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને હવે જનજીવન ફરીથી ધબકતું થઈ રહ્યું છે. ધીમે-ધીમે વેપાર-ધંધા ફરીથી શરૂ થઈ રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં સરકાર શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી શરૂ કરવા માટે વિચારણા કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ વાલીઓને કોરોનાનો ડર છે. તેમજ બાળકોની કોરોનાની રસી ન આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી શરૂ નહીં કરવા માટે વાલી મંડળે રજૂઆત કરી છે. તેમજ સરકારે ઓનલાઇન એજ્યુકેશન કેવી રીતે બહેતર કરી શકાય તે વિશે વિચારવું જોઇએ, નહીં કે ફિઝિકલ એજ્યુકેશન શરૂ કરવા વિચારવું જોઇએ.

ગુજરાત વાલી મંડળના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસ ઘટતાં સ્કૂલોને ફિઝિકલી શરૂ કરવાની વિચારણા સરકાર કરી રહી છે. પરંતુ જ્યાં સુધી રાજ્યમાં વેક્સિનેશન પૂરેપૂરું ન પતે અને બાળકોની રસી ન આવે ત્યાં સુધી સ્કૂલો શરૂ કરવાની વિચારણા કરવી ન જોઇએ. કોરોના બાળકોમાં ફેલાશે તો તેના પરિણામ પરિવારે ભોગવવા પડશે. હાલમાં સરકારે ઓનલાઇન એજ્યુકેશનને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તેના પર કામ કરવું જોઇએ. જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી તેવા વિસ્તારના બાળકોને અભ્યાસની સુવિધા વિકસાવવાની પ્રક્રિયા કરવી જોઇએ. અગાઉ જ્યારે ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કરવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરની શકયતાને પગલે વાલીઓમાં ભય ફેલાયેલો છે.