Site icon Revoi.in

વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા વાલીઓ ચિંતિતઃ ફરીથી ઓનલાઈન એજ્યુકેશનની શરૂ કરવા માંગણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બીજી તરફ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યાં હોવાતી વાલીઓ ચિંતિત બન્યાં છે. તેમજ ત્રણ સપ્તાહ સુધી સ્કૂલ-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવાની માંગણી કરી છે. દરમિયાન આજે વિજય રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાશે. જેમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ અને પરીક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલમાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઓફલાઈનની સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોરોનાનું સંક્રમણ સ્કૂલ-કોલેજમાં પહોંચ્યું હોય તેમ સુરતમાં 192 વિદ્યાર્થીઓ, અમદાવાદમાં 150 વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રમાં 100 વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં સપડાયા છે. જેથી શાળાઓને ફરી તાળા લાગે તેવી ભીતિ ઉભી થઈ છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગની સાથે શિક્ષણ વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં બોર્ડની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવા મુદે ચર્ચા થઈ હતી. શાળા, કોલેજ સહિતની શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ફરી ઓનલાઈન શરૂ થાય તેવી માંગ ઉઠી છે. ઓલ ગુજરાત વાલી મંડળની બેઠક મળી હતી. જેમાં કોરોના સ્થિતિને લઈ ચર્ચા થઈ હતી. વાલી મંડળે માંગ કરી છે કે, ત્રણ અઠવાડિયા માટે શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી રાજ્યમાં ધો-9થી 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા યોજાશે. બીજી તરફ કોરોનાના કેસ વધતા આજે અંગે સરકાર દ્વારા ચર્ચા કરવામાં આવશે.