અમદાવાદઃ રાજકોટ લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર સભામાં પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના ઉચ્ચારણોથી ક્ષત્રિય સમાજ રૂપાલાને હરાવવા મેદાને પડ્યો હતો. ઉપરાંત પરેશ ધાનાણી લેઉવા પાટિદાર સમાજના હોવાથી અને રાજકોટમાં લેઉવા પાટિદાર સમાજના વધુ મતદારો હોવાથી રાજકોટની બેઠક પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો. આજે મત ગણતરી હાથ ધરાતા રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 2,36,930 મતોથી લીડથી આગળ ચાલી રહ્યા મળી છે. રૂપાલાની જીત નિશ્વિત બનતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલાને અભિનંદન આપ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે. આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની ન હતા, આ વિચારધારાની અને દેશના સંવિધાનને બચાવવાની આ લડાઈ હતી અને સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગાળવાની આ લડાઈ હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજકોટ સહિત દેશમાં સકારાત્મક પરિણામો આવશે, સત્તાનું પરિવર્તન થશે. જો કોંગ્રેસ જીતશે તો મંદી, મોંઘવારી, અત્યાચાર, બેરોજગારી હારશે. જો ભાજપ જનાર્દેશ મેળવવામાં સફળ થઈ તો આવનારા 5 વર્ષ આ દેશ માટે ખૂબ જ કપરા હશે. તે જીતશે તો સત્તાનો અહંકાર રાખશે. દેશ 2004ના પરિવર્તનનું પુનરાવર્તન કરવા જઈ રહી છે.
કાઉન્ટિંગ સ્થળ પર પરેશ ધાનાણી અને પરશોત્તમ રૂપાલાએ એક સાથે ફોટો પાડ્યા હતા અને એક બીજાને અભિનંદન પણ આપ્યા હતા. રાજકોટની બેઠક ભાજપ માટે એક માથાનો દુખાવો બની ગયો હતો. એક કાર્યક્રમ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં તેમના વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો હતો. જેને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જેને લઈને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. આ આંદોલનને લઈને લાગી રહ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાની કારમી હાર થશે, પરંતુ હાલ તેઓને 2 લાખથી વધુની લીડ મળી છે. (File photo)