દિલ્હીઃ પેરીસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં સ્ટેજ થ્રીમાં પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતીય તીરંદાજ અભિષેક વર્માએ ઈતિહાસ રચ્યો છે. તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં અભિષેકે અમેરિકાના ક્રિસ સ્ચેર્ફને શૂટ-ઓફમાં 10-9થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ બે અલગ-અલગ વર્લ્ડ કપમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય તીરંદાજ બની ગયો છે.
પુરુષોની કમ્પાઉન્ડ ગોલ્ડ મેડલની મેચમાં ભારતના અભિષેક વર્મા અને અમેરિકાના ક્રિસ સ્ચેર્ફનો સ્કોર 148-148થી બરોબરી પર રહેતા ટાઈ પડી હતી. જે પછી ગોલ્ડ મેડલ વિજેતાનો નિર્ણય શૂટ-ઓફથી લેવામાં આવ્યો હતો. જેમાં અભિષેક વર્માએ 10નો સ્કોર કર્યો હતો. જ્યારે તેનો અમેરિકન હરિફ માત્ર 9 સ્કોર મેળવી શક્યો હતો. અભિષેકે સેમિ ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં રશિયાના એન્ટોન બુલાઈવને 146-138થી હરાવ્યો હતો. અભિષેકે આ અગાઉ વર્ષ 2015માં પોલેન્ડમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ક્રોએશિયામાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ મિક્સ પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે ક્રોએશિયામાં ચાલી રહેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. અગાઉ સૌરભે ચૌધરી અને ભારતની મહિલા ટીમે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.