Site icon Revoi.in

પેરિસ ઓલિમ્પિક 2024: હોકીની ફાઇનલમાં પહોંચ્યું જર્મની, ભારતીય ટીમની હાર

Social Share

નવી દિલ્હીઃ હોકીની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવીને જર્મનીએ પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય હોકી ટીમની આ હાર બાદ પેરિસ ઓલિમ્પિકની સફર અટકી ગઈ છે. આ હરીફાઈમાં પહેલો ગોલ કરીને લીડ મેળવનાર હોકી ઈન્ડિયા છેલ્લી છ મિનિટમાં ગોલ ન કરી શકવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે આખી મેચ જર્મનીના ડિફેન્સ અને ભારતીય આક્રમણ માટે યાદ રહેશે.

ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મની સામેની સેમિફાઇનલ મેચમાં શરૂઆતથી જ ગતિ બતાવી હતી અને પહેલા ક્વાર્ટરમાં જ 1-0ની સરસાઈ મેળવી હતી. ભારત માટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરનો લાભ ઉઠાવીને ગોલ કર્યો અને ભારતને લીડ અપાવી. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ આઠમો ગોલ હતો. જર્મનીએ બીજા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. જર્મની માટે ગોન્ઝાલો પિલાટે 18મી મિનિટે ગોલ કર્યો હતો. ક્રિસ્ટોફર રુહેરે બીજા ક્વાર્ટરમાં જ પેનલ્ટી સ્ટ્રોક પર શાનદાર ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. જર્મની માટે આ ગોલ ક્વાર્ટરની 27મી મિનિટે આવ્યો હતો.

પ્રથમ ક્વાર્ટરમાં 1-0ની લીડ લીધા બાદ ભારતીય ટીમ બીજા ક્વાર્ટરમાં 2-1થી પાછળ હતી અને ત્રીજા ક્વાર્ટરમાં વાપસી કરી હતી. મેચની 36મી મિનિટે સુખજીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 2-2થી બરાબર કરી દીધો હતો. ત્યારબાદ લગભગ 17 મિનિટ સુધી બંને ટીમો લીડ લેવાનો પ્રયાસ કરતી રહી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. પરંતુ મેચમાં જ્યારે છેલ્લી 6 મિનિટ બાકી હતી ત્યારે 54મી મિનિટે માર્કો મિલ્ટકાઉએ જર્મની માટે ગોલ કરીને ભારત પર 3-2ની નોંધપાત્ર લીડ અપાવી હતી. આખરે આ સ્કોર યથાવત રહ્યો અને જર્મનીએ મેચ જીતી લીધી.