નવી દિલ્હીઃ ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતીય શૂટર અવની લેખારા ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલી મોના અગ્રવાલે પણ પાંચમું સ્થાન મેળવીને આઠ શૂટર્સની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આ જ ઈવેન્ટમાં મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું ખાતું ખુલી ગયું છે. ભારત પાસે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ છે.
22 વર્ષની અવનીએ ફાઇનલમાં 249.7 પોઈન્ટ બનાવ્યા જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સ (2020)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાના લી યુનરીએ સિલ્વર મેડલ જીત્યો હતો. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવની પેરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તે પેરાલિમ્પિક ગેમ્સમાં બેક ટુ બેક ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ છે