Paris police attack: હુમલાખોરે 18 માસ પહેલા અંગિકાર કર્યો હતો ઈસ્લામ, પોલીસ મુખ્યમથકમાં જ કરતો હતો કામ
- પેરિસ પોલીસ એટેક
- હુમલાખોરે 18 માસ પહેલા અંગિકાર કર્યો હતો ઈસ્લામ
- પેરિસ પોલીસ મુખ્યમથક ખાતે જ કરતો હતો કામ
ફ્રાંસની રાજધાની પેરિસના પોલીસ મુખ્યમથકમાં ગુરુવારે થયેલા હુમલામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ મામલામાં ફ્રાંસની સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હાલ આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે પોલીસ મુખ્યમથકમાં થયેલો હુમલો આતંકવાદથી પ્રભાવિત છે.
પેરિસ પોલીસ મુખ્યમથકની અંદર ચાકૂથી હુમલો કરનાર શખ્સ ખુદ ત્યાં જ કામ કરતો હતો. માર્યા ગયેલા લોકોમાં ત્રણ પોલીસ અધિકારી અને એક પ્રશાસનિક સહાયક સામેલ છે. જ્યારે એક અન્ય વ્યક્તિ ગંભીરપણે ઘાયલ છે. જો કે પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો.
સરકારના પ્રવક્તા સિબેથ નાદેયે શુક્રવારે ફ્રાંસ ઈન્ફોને કહ્યુ છે કે તપાસકર્તા આતંકી એન્ગલથી આ તથ્યોની તપાસ કરી રહ્યા છે કે આખરે હુમલાની પાછળનું કારણ શું હતું? પેરિસ પ્રોસીક્યૂટર રેમી હેટિઝે કહ્યુ છે કે હુમલાખોર 2003થી જ પોલીસ મુખ્યમથકમાં કામ કરી રહ્યો હતો. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં હુમલાખોરના ઘરની તલાશી પણ લેવામાં આવી છે.
ફ્રેન્ચ મીડિયા પ્રમાણે, 45 વર્ષીય હુમલાખોર પેરિસ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટમાં એક તકનીકી પ્રશાસક તરીકે કામ કરી રહ્યા હતા. તેણે 18 માસ પહેલા જ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. હુમલાખોરના પત્નીએ પોલીસને જણાવ્યુ કે તેનો પતિ બધિર હતો.
મહત્વપૂર્ણ છે કે પોલીસ મુખ્યમથક પર થયેલા હુમલા બાદ મેટ્રો સ્ટેશનને સુરક્ષા કારણોથી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેની સાથે જ મહત્વપૂર્ણ ઈમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.