અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની વિકટ બનેલી સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી લાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિની. ટ્રાફિક એન્ડ પાર્કિગ સેલની મીટિંગમાં પાર્કિગ પોલિસીના અમલીકરણ અને વાહન પાર્કિગ સિવાયની જગ્યાએ વાહન પાર્ક કરવા બદલ નાગરિકો પાસેથી દંડ લેવા ડ્રાઈવની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે નવી પાર્કિગ પોલીસી મામલે જણાવ્યું હતું કે શહેરમાં તમામ ઝોનમાં આવેલા રહેણાંકો અને કોમર્શીયલ હેતુથી ઉપયોગમાં લેવાઇ રહેલા તમામ બિલ્ડીંગો પૈકી જે બિલ્ડીંગોના મ્યુનિ.કોર્પોરેશનમાં પાર્કિગ હેતુ સાથેના પ્લાન મંજુર કરાવી બિલ્ડર દ્વારા કોમર્શિયલ હેતુ માટે ગોડાઉન, દુકાન કે હોટલો બનાવી દેવામાં આવ્યા છે. તેવા તમામ પાર્કિંગોને એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
મ્યુનિના વિપક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં નવી પાર્કિગ પોલીસીમાં દિવસ અને રાત્રીના પાર્કિગ માટેના જે અલગ અલગ દર નકકી કરવામાં આવ્યા છે, તે દર છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શહેરમાં વસતા સામાન્ય, મધ્યમ કે ગરીબ વર્ગના તમામ લોકોને પોસાય એવા રાખવા જોઈએ. જો આ તમામ મુદ્દાઓનો અમલ કર્યા પહેલા નવી પાર્કિગ પોલીસીનો અમલ કરવામાં આવશે તો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે જનઆંદોલન કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં પાર્કિગ પોલીસીના અમલીકરણ માટે મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં વિવિધ કમિટીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં નિયત પાર્કિંગના સ્થળો સિવાય અન્ય સ્થળોએ પાર્ક કરનારા વાહનચાલકોના વાહનો ટોઇંગ કરવાની અને મોટો દંડ કરવાની કાર્યવાહી મ્યુનિ. કોર્પોરેશન અને શહેર ટ્રાફીક પોલીસની સંયુકત ટીમ દ્વારા શરૂ કરાશે. એવું નિવેદન જાહેર કરાયું હતું. જેની સામે કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે.અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા વાહનોની સંખ્યા સામે મ્યુનિ.કોર્પોરેશનના વહીવટી તંત્રના અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા પુરતી વાહન પાર્કિંગની સગવડ આપ્યા પહેલા જ લોકોને દંડવાની વાત છે.
કોંગ્રેસ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે. નવી પાર્કિગ પોલીસીના અમલ પહેલાં અમદાવાદ શહેરમાં તમામ સાત ઝોનમાં કેટલા ટુ વ્હીલર, ફોર વ્હીલર છે એનો નવો સર્વે કરાવી આ વાહનોના પાર્કિંગ માટે સૌપ્રથમ પાર્કિગના સ્થળ નકકી કરવા જોઈએ, કારણ કે મ્યુનિ.કમિશનર તરફથી જાહેર કરવામાં આવેલી એક અખબારી યાદીમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે અમદાવાદ શહેરમાં જે જે વિસ્તારોમાં વાહન પાર્કીંગની સુવિધા નથી તે તે વિસ્તારોમાં વાહન પાર્કિગ માટે જગ્યાઓ શોધવામાં આવશે જે પરથી સ્પષ્ટ થાય છે કે મ્યુનિ.કો. પાસેજ હાલમાં શહેરીજનોના કુલ વાહનોની સામે પાર્કિગ માટે જગ્યા નથી.