રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. રૂપાલાએ જાહેરમાં માફી પણ માગી હતી છતાંયે ક્ષત્રિય સમાજની નારાજગી દુર થઈ નહતી. બીજીબાજુ ભાજપે પણ મક્કમ રહીને રૂપાલાની ટિકિટ રદ કરી નહતી. જેથી ક્ષત્રિય સમાજે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે જ મોરચો માંડ્યો હતો. હવે લેકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ફરીવાર ક્ષત્રિય સમાજની માફી માગતા જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં આ ચૂંટણી મારા માટે પીડાદાયક રહી હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ફરી ક્ષત્રિય સમાજની માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટાં વમળો સર્જાયાં હતા. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ પણ તેમાં લપેટાયો. સામાન્ય રીતે મારું વક્તવ્ય મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતું, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન એક કાર્યક્રમમાં મારા નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ બનતા મેં જાહેરમાં બેવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. એટલું જ નહીં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી, હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર. તે વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય વિષય નથી. ત્યારે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું. મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ પીડાદાયક અને કષ્ટદાયક છે. ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે, સમગ્ર ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ વિકાસની આ કેડીમાં આગળ વધે તેવું નમ્ર નિવેદન છે. મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.