Site icon Revoi.in

રૂપાલાએ દિલથી માફી માગી છે, હવે કોઈ વિવાદ નથી, જંગી બહુમતીથી જીતશુઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. રૂપાલાએ બેવાર જાહેરમાં માફી પણ માગી હતી.ત્યારે અમદાવાદમાં રોજ શો દરમિયાન ભાજપના અગ્રણી નેતા અમિત શાહને મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી માગી છે. હવે કોઈ વિવાદ નથી, ભાજપ ગુજરાતની તમામ બેઠકો પર જંગી બહુમતીથી ચૂંટણી જીતશે.

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક સભામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ક્ષત્રિયો દ્વારા આ નિવેદનનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. જોકે ટિકિટ રદ ન કરતાં આજે શુક્રવારે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક કરી આગામી રણનીતિ તૈયાર કરશે. આ ઘટનાક્રમ વચ્ચે ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના અગ્રણી નેતા અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાજીએ હૃદયથી માફી માગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે.

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તા. 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા ભરશે. એ પહેલાં ગુરૂવારે લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને અમિત શાહે ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની જીદ પકડી છે. જ્યારે ભાજપ નમતું જોખવા તૈયાર નથી. ભાજપના નેતાઓ માને છે, કે, રૂપાલાએ જાહેરમાં માફી માગી લીધી છે. એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે બન્ને પક્ષે આ મુદ્દો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. રાજકોટની બેઠક પર રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધુ છે. અને જોરશોરથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેથી હવે ઉમેદવારી પાછી ખેંચવામાં આવે એવું લાગતું નથી.