અમદાવાદઃ લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણો બાદ વિવાદ થતાં બેવાર માફી પણ માગી છતાંયે તેમની સામે વિરોધ હજુ શમ્યો નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રૂપાલાએ મહારાજાઓનું અપમાન કર્યું છે, મહારાજા માત્ર રાજપૂતો જ ન હતા, ક્યાંક દરબાર, ક્યાંય નાડોદા, ક્યાંક અનુસૂચિત મહારાજા પણ હતા. આ બાબત માત્ર ક્ષત્રિય વર્સીસ પાટીદાર નથી, સમગ્ર સમાજનું અપમાન કરતું નિવેદન છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારો, લોકસભા નિરીક્ષકો, શહેર જિલ્લા પ્રમુખોની બેઠક મળી હતી. 14 મુદ્દાનું ચેકલિસ્ટ ઉમેદવારોને આપવામાં આવ્યુ હતું, લોકસભા ઉમેદવારના ફોર્મ ભરવાથી લઈને કાનૂની સહાય માટે 2 વકીલો ફાળવાયાં છે. ઉમેદવારોની સંગઠન પાસેની અપેક્ષાઓ અને સ્થાનિક લેવલે સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે રૂપાલાના વિવાદીત નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું કે, રૂપાલાએ મહારાજાઓનું અપમાન કર્યું છે. તેમજ તેમના ઉમેદવારોને જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ તરફી માહોલ છે, તમામ ઉમેદવારોએ પુર જોશથી લડવાનું છે. આપણે 17 ઉમેદવારો જાહેર કર્યા છે પણ ક્યાંય માથાકૂટ જોવા મળી નથી.
કોંગ્રેસના ઉમેદવારો અને સંગઠનની બેઠકમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવતા કહ્યું હતું કે, મહારાજાઓનું અપમાન કર્યું છે, મહારાજા માત્ર રાજપૂતો જ ન હતા, ક્યાંક દરબાર, ક્યાંય નાડોદા, ક્યાંક અનુસૂચિત મહારાજા પણ હતા. આ બાબત માત્ર ક્ષત્રિય વર્સીસ પાટીદાર નથી, સમગ્ર સમાજનું અપમાન કરતું નિવેદન છે.
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ઉમેદવારોને સલાહ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ તરફી માહોલ છે, તમામ ઉમેદવારોએ પુર જોશથી લડવાનું છે. આપણે 17 ઉમેદવારો જાહેર કર્યા છે પણ ક્યાંય માથાકૂટ જોવા નથી મળી. કમલમમાંથી હજુય કકળાટ દૂર નથી થતો. આચારસંહિતાની ફરિયાદ ના થાય તેનું ધ્યાન રાખજો, ફરિયાદની સ્થિતિમાં લીગલ રીતે જવાબ આપો, ભાજપના ઉમેદવારોના પોસ્ટર લાગ્યા હોય તો તેની ફરિયાદ કરો, પોલિંગ એજન્ટ મુકવામાં કોઈ ભૂલ ના થાય, નહીં તો તમારી મહેનત બીજું કોઈ લઇ જશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદના પ્રવાસે છે. મુકુલ વાસનિક કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરી, ચૂંટણીને લઈને ચર્ચા કરી હતી. તેમણે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ બેઠકો પર જીત મેળવશે. રૂપાલા અંગે પણ નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે