Site icon Revoi.in

પાર્ટ ટાઈમ અધ્યાપકો વર્ષો જુના પ્રશ્નો નહીં ઉકેલાતા 28 એકટોબરથી આમરણાંત ઉપવાસ કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાના પડતર પ્રશ્નો લઈને લડત આરંભી હતી. જેમાં સરકારે ઘણા વિભાગોના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો છે. સમાધાન થઈ જતાં લડત પાછી ખેંચવામાં પણ આવી છે. જ્યારે રાજ્યની કોલેજોમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે સરકારે મચક ન આપતા પાર્ટ ટાઈમ અધ્યાપકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. અને આગામી તા. 28મી ઓકટોબર સુધીમાં પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો અધ્યાપકોએ આમરણાંત ઉપવાસની ચિમકી આપી છે.

રાજ્યના વિવિધ કોલેજોમાં પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકો વર્ષોથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપી છે. જેમાં અધ્યાપકો સાથે શોષણ અને અન્યાય કરતી માહિતીની પત્રિકાઓ વેચવામાં આવશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 3 અધ્યાપકો આમરણાંત ઉપવાસ કરશે. પાર્ટટાઈમ અધ્યાપકોને યુજીસીની ગાઈડલાઈન અને ચુકાદાનો અમલ કરીને પગાર તાત્કાલિક આપવા, નોન પીએચડી પાર્ટ ટાઈમ અધ્યાપકોને જાહેરાત મુજબ પૂર્ણ સમયમાં રૂપાંતરિત કઈ રેગ્યુલર પગાર ધોરણમાં મુકવા, તથા સન્માનજનક પગાર આપવામાં આવે. આ તમામ માંગણીઓ છેલ્લા કેટલાય વર્ષોથી પડતર છે. આ સંદર્ભે શિક્ષણ વિભાગમાં અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકોના કહેવા મુજબ 24 વર્ષથી અધ્યાપકો 6000 થી 19500 રૂપિયાના ફિક્સ માસિક પગારમાં નોકરી કરે છે. માંગણીઓ પુરી ના થતા પાર્ટ ટાઈમ અધ્યાપકો આંદોલન શરૂ કર્યું છે જેમાં અગાઉ વડાપ્રધાનને પણ લેખિત ફરિયાદ કરી હતી.આજે 115 ખંડ સમયના અધ્યાપકોને અન્યાય અને શોષણની માહિતી દર્શાવતી પત્રિકાઓ વહેંચવામાં આવશે. 28 ઓક્ટોબરથી ત્રણ ખંડ સમયના અધ્યાપકો આમરણાંત ઉપવાસ કરશે.